Tue Sep 08 2026

Logo

પીએમ મોદી આવતીકાલે મુંબઈની મુલાકાતે: વૈશ્વિક ફિનટેક મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

2026-09-07 20:49:47
Author: Mumbai Samachar Team
પીએમ મોદી આવતીકાલે મુંબઈની મુલાકાતે: વૈશ્વિક ફિનટેક મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 8 સપ્ટેમ્બરે આજે મુંબઈની મુલાકાત લેશે. તેઓ મુંબઈમાં યોજાનારા વૈશ્વિક ફિનટેક મહોત્સવ 2026ના સાતમા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસ ચાલનારા આ મહાસંમેલનમાં વિશ્વભરમાંથી નીતિ નિર્માતાઓ, નિયમનકારી સંસ્થાઓ, બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના દિગ્ગજો, નાણાકીય ટેક્નોલોજી કંપનીઓ, ટેક્નોલોજી નિષ્ણાતો અને રોકાણકારો ભાગ લેશે. વડા પ્રધાન મોદી સાંજે લગભગ 5:45 વાગ્યે મુંબઈ પહોંચશે અને કાર્યક્રમને સંબોધિત કરશે.

વૈશ્વિક ફિનટેક મહોત્સવનું આયોજન 8થી 11 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ વખતની મુખ્ય થીમ ‘પોટેન્શિયલ ટુ ઈમ્પેક્ટ: એજન્ટિક એઆઈ, ટોકનાઈઝેશન, ક્વોન્ટમ - ટ્રસ્ટેડ, કનેક્ટેડ, ગ્લોબલ સિસ્ટમ્સ ફોર ઈન્ક્લૂસિવ ફાઈનાન્સ’ છે. 

મહોત્સવમાં એઆઈ આધારિત સ્વચાલિત પ્રણાલી, ડિજિટલ સંપત્તિનું ટોકનાઈઝેશન, ક્વોન્ટમ ટેક્નોલોજી અને ભવિષ્યની નાણાકીય વ્યવસ્થા અંગે ચર્ચા થશે. આ ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય નાગરિકો, વેપારીઓ અને અર્થતંત્ર માટે વધુ વિશ્વસનીય, સમાવેશી અને અસરકારક નાણાકીય વ્યવસ્થા ઊભી કરવા કેવી રીતે થઈ શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.

અહીંના કાર્યક્રમમાં પોલિસીમેકર્સ, નિયમનકારી સંસ્થાઓ, કેન્દ્રીય બેન્કો, નાણાકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ, ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ, રોકાણકારો અને એકેડેમિક્સ અને સ્ટેકહોલ્ડર્સ એક જ મંચ પર આવશે. ભારતના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને નાણાકીય સમાવેશને વેગ આપવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. નીતિ, નિયમન, ટેક્નોલોજી, મૂડી અને ઉદ્યોગ ક્ષેત્રના તમામ હિસ્સેદારો વચ્ચે વધુ સારા સંકલન અંગે પણ ચર્ચા થશે.

અહીં એ જણાવવાનું કે મુંબઈ આવતા પહેલા વડા પ્રધાન મોદી ગુજરાતના વડોદરાની મુલાકાત લેશે. ત્યાં તેઓ બપોરના સમયે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ દરમિયાન 35,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ખાતુમુહૂર્ત અને અનાવરણ કરાશે. 

વડા પ્રધાન વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ રેલ કોરિડોરના કુલ 326 માર્ગ કિલોમીટર લાંબા ત્રણ વિભાગો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ પાછળ 20,700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ વિભાગોના કાર્યરત થવાથી જવાહરલાલ નહેરુ બંદર સુધી સીધી ગુડ્સ ટ્રેનને સીધી રેલ કનેક્ટિવિટી મળશે અને આયાત-નિકાસના માલની ઝડપી હેરફેરમાં મદદ મળશે.

વડા પ્રધાન મોદી વડોદરામાંથી માલગાડીઓની નવી સેવાઓને પણ લીલી ઝંડી આપશે. આ ઉપરાંત ટાંડા રોડ અને વડોદરા વચ્ચે નવી મુસાફર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. છોટા ઉદેપુર-ધાર રેલ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવેલી જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 

સાથે જ 329 કિલોમીટર લાંબા ત્રણ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે, જેના પર 9,700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો છે. આશરે 1,780 કરોડ રૂપિયાના ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાત સરકારના લગભગ 2,600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ખાતુમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

જોકે, વડાપ્રધાનની મુંબઈ મુલાકાતમાં સૌથી વધુ મહત્વ વૈશ્વિક ફિનટેક મહોત્સવનું રહેશે. આ કાર્યક્રમના કારણે મુંબઈ થોડા દિવસો માટે વૈશ્વિક નાણાકીય ટેક્નોલોજી, ડિજિટલ પેમેન્ટ અને ઈનકલ્યુસીવ નાણાકીય વ્યવસ્થાની ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બનશે. નવી ટેક્નોલોજી દ્વારા નાણાકીય ક્ષેત્રમાં આવનારા પરિવર્તન અને તેમાં ભારતની ભૂમિકા અંગે પણ અહીં મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની સંભાવના છે.