(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના મેટ્રો સિનેમા નજીક બનાવટી નોટો વેચવાને ઇરાદે આવેલી મહિલાને તાબામાં લીધા પછી પોલીસે 10.64 લાખ રૂપિયાની બનાવટી નોટો જપ્ત કરી હતી. આ કેસમાં પોલીસે કુર્લાથી આરોપીની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ દાનિશ ખાન (38) તરીકે થઈ હતી. નવી મુંબઈના કોપરખૈરાણે ખાતે રહેતા ખાનને કુર્લા રેલવે સ્ટેશન નજીકથી તાબામાં લેવાયો હતો. તેની વિરુદ્ધ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
મેટ્રો સિનેમા નજીક બનાવટી નોટો સાથે એક મહિલા આવવાની હોવાની માહિતીને આધારે પોલીસે રવિવારે છટકું ગોઠવ્યું હતું. તાબામાં લેવાયેલી મહિલાની ઓળખ રુકસાના (55) તરીકે થઈ હતી. 500 રૂપિયાની એક ચલણી નોટના બદલામાં બે બનાવટી નોટ આપવાની ઑફર રુકસાનાએ આપી હતી. રુકસાનાને નોટિસ આપીને છોડવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન પૂછપરછમાં રુકસાનાએ કબૂલ્યું હતું કે તેણે ખાન પાસેથી બનાવટી નોટ લીધી હતી. ખાન કુર્લા સ્ટેશન નજીક મળવાનો હોવાનું મહિલાએ કહેતાં પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 2,128 બનાવટી નોટો મળી આવી હતી. કુલ 10.64 લાખની બનાવટી નોટો જપ્ત કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.