Thu Nov 19 2026

Logo

તહેવારોમાં ભેળસેળખોરો પર એફડીએનો સકંજો: મહારાષ્ટ્રમાં રૂપિયા 9 કરોડનો ખાદ્ય જથ્થો જપ્ત, 19 લાઇસન્સ સસ્પેન્ડ

2026-11-03 10:09:00
Author: Mumbai Samachar Team
તહેવારોમાં ભેળસેળખોરો પર એફડીએનો સકંજો: મહારાષ્ટ્રમાં રૂપિયા 9 કરોડનો ખાદ્ય જથ્થો જપ્ત, 19 લાઇસન્સ સસ્પેન્ડ

મુંબઈ: દિવાળી સહિતના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રાજ્યભરમાંથી અંદાજે 3.53 લાખ કિલોગ્રામ ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂપિયા 9.01 કરોડથી વધુ છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનારા 19 ખાદ્ય વ્યવસાયિકોના લાઇસન્સ અને રજિસ્ટ્રેશન પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

એફડીએના સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના સાત વિભાગોમાં આવેલી 114 સંસ્થાઓમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા ખાદ્યપદાર્થોમાં ખાદ્ય તેલ, મસાલા, ચોખા, કઠોળ, ગોળ, લોટ, ઘી, દૂધની બનાવટો, મીઠાઈ, નમકીન, સૂકો મેવો અને બેકરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તપાસમાં ભેળસેળની શંકા, ખોટું લેબલિંગ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ જેવી બાબતો સામે આવી હતી. 

આ અભિયાન દરમિયાન છત્રપતિ સંભાજીનગરમાં પતંજલિ આયુર્વેદના સુપર ડિસ્ટ્રિબ્યુટર  પાસેથી 2,279.7 લિટર પતંજલિ ગાયનું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. આ જથ્થાની કિંમત રૂપિયા 20.20 લાખ હોવાનું જણાવાયું છે. તેમાં કુલ 4,032 યુનિટનો સમાવેશ થાય છે. એફડીએને આ ઘી પર ખોટું લેબલિંગ અને ભેળસેળની શંકા જણાઈ હતી તથા પ્રાથમિક તપાસમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની જોગવાઈઓના ભંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

રાજ્યમાં સૌથી મોટા જથ્થાની જપ્તી ભિવંડીમાં કરવામાં આવી હતી. થાણે જિલ્લાના ભિવંડીમાં એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ પાસેથી 1,44,218 કિલોગ્રામ ખાદ્ય તેલ જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે સતારામાં અમીન ટ્રેડર્સ પાસેથી 20,560 કિલોગ્રામ ચોખા, કઠોળ, ગોળ અને અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરાયા હતા. પુણે વિભાગમાં સતારાની સ્વાતિ ઓઇલ મિલ્સ અને સોલાપુરની એસ.જી. ટ્રેડર્સ પાસેથી પણ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

લાઇસન્સ સસ્પેન્ડ કરાયેલી 19 સંસ્થાઓમાં મીઠાઈ, નમકીન અને મસાલા બનાવતી એકમોનો સમાવેશ થાય છે. મુંબઈ, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર વિભાગોમાં તપાસ દરમિયાન અસ્વચ્છ પરિસર, ખાદ્યપદાર્થોનો અયોગ્ય સંગ્રહ, જીવાત નિયંત્રણની વ્યવસ્થાનો અભાવ, સફાઈના રેકોર્ડ ન હોવા, ફરજિયાત દસ્તાવેજોની અછત અને નિર્ધારિત સુરક્ષા ધોરણોનું પાલન ન થવા જેવી ગંભીર ખામીઓ મળી આવી હતી. 

28થી 31 ઓક્ટોબર દરમિયાન એફડીએએ 17 સંસ્થાઓમાંથી રૂપિયા 79.40 લાખની કિંમતના પ્રતિબંધિત ખાદ્યપદાર્થો પણ જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 13 એફઆઈઆર નોંધવામાં આવી, 16 લોકોની ધરપકડ કરવામાં આવી, સાત સંસ્થાઓ સીલ કરવામાં આવી અને છ વાહનો જપ્ત કરાયા હતા. આ ઉપરાંત નાશિક, છત્રપતિ સંભાજીનગર અને નાગપુર વિભાગોમાં 34 હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાની તપાસ કરીને ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતાની ખામીઓ બદલ 29 સુધારણા નોટિસ આપવામાં આવી હતી. 

એફડીએની આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 તથા સંબંધિત નિયમો હેઠળ કરવામાં આવી હતી. તહેવારોના સમયમાં ખાદ્યપદાર્થોની માંગ વધતી હોવાથી વિભાગે ભેળસેળ અને અસ્વચ્છતાના જોખમ સામે કડક વલણ અપનાવ્યું છે. તપાસનો મુખ્ય હેતુ ગ્રાહકોને સુરક્ષિત ખોરાક મળે અને ખાદ્ય વ્યવસાયિકો નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનો છે.