Sat Nov 07 2026

Logo

મુંબઈના નગરસેવકો માટે ૩૬ કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવું સભાગૃહ

2026-11-03 08:46:00
Author: Sapna Desai
મુંબઈના નગરસેવકો માટે ૩૬ કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવું સભાગૃહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ઐતિહાસિર કૉર્પોરેશન હૉલની વર્તમાન બેઠક ક્ષમતા ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી ન હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસને નવા હૉલના નિર્માણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઝાદ મેદાનના પ્રવેશદ્વાર પાસે છ માળની અત્યાધુનિક ઇમારત બનાવવામાં આવશે, જેના માટે સ્થાયી સમિતિની મંજૂરી માટે લગભગ ૩૬ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. 
નગરસેવકો માટે  બનાવવામાં આવનારા નવા હોલમાં ૩૩૦ થી ૩૫૦ સભ્યની બેઠક ક્ષમતા હોય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ હૉલનું બાંધકામ ૨૮ મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને નાગરિક સંસ્થાની કાર્યવાહી માર્ચ ૨૦૨૯ સુધીમાં નવા પરિસરમાં સ્થળાંતરિત થવાની અપેક્ષા છે.

આઝાદ મેદાનની બાજુમાં ૫,૯૫૧.૪૦ ચોરસ મીટરમાં ફેલાયેલા પ્રસ્તાવિત બહુમાળી કૉમ્પ્લેક્સમાં  બે બેઝમેન્ટ, એક અંડરગ્રાઉન્ડ, ચાર ઉપરના માળ અને આંશિક પાંચમો માળ હશે. આ સુવિધામાં ૩૨૦ બેઠકોવાળો કોર્પોરેશન હોલ, પ્રેસ ગેલેરી અને મેયર, ડેપ્યુટી મેયર અને વિરોધ પક્ષના નેતા માટે સમર્પિત ચેમ્બર હશે. એક વ્યુઇંગ ગેલેરી, રૂફટોપ કેફેટેરિયા અને એક ભવ્ય કાચનો ગુંબજ સ્થાપત્ય આકર્ષણમાં વધારો કરશે, જ્યારે 
ટૂ-લેવલ બેઝમેન્ટ પાર્કિંગ, ઓટોમેટેડ સ્ટેક પાર્કિંગ, કાર લિફ્ટ અને કેપ્સ્યુલ એલિવેટર આધુનિક માળખાગત સુવિધા પૂરી પાડશે. આ પ્રોજેક્ટમાં આધુનિક ફાયર ફાઈટિંગ અને  એલાર્મ સિસ્ટમ્સ, જાહેર સંબોધન સુવિધાઓ અને વ્યાપક લેન્ડસ્કેપિંગનો પણ સમાવેશ થાય છે, જે સંકુલને આધુનિક નાગરિક હબ તરીકે સ્થાપિત કરશે. અંદાજિત બાંધકામ ખર્ચ  ૩૩.૬૬ કરોડ રૂપિયા હોવા છતાં આ પ્રોજેક્ટમાં પાંચ બોલી લગાવનારાઓ આવ્યા છે, જેમાં ડી. ઠક્કર ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અંદાજિત ખર્ચ કરતાં ૧૨.૯૬ ટકા ઓછા બોલી લગાવીને સૌથી નીચા બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું છે. જોકે જીએસટી, પાણી અને સ્યુેજ ટેક્સ  અને અન્ય લાગુ પડતા ચાર્જના સમાવેશને કારણે કુલ નાણાકીય ખર્ચ આશરે  ૪૪ કરોડ રૂપિયા થઈ ગયો છે.

આ પ્રોજેકટ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની સામે અને મુંબઈ મહાનગરપાલિકાના  મુખ્યાલયમાં જગ્યાની વધતી જતી મર્યાદાઓની પૃષ્ઠભૂમિ સામે આવે છે. ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ દ્વારા વેનેશિયન ગોથિક-ઇન્ડો-સેરેનિક શૈલીમાં ડિઝાઇન કરાયેલ અને ૧૮૯૩ માં પૂર્ણ થયેલ, હેરિટેજ ઇમારતમાં ઐતિહાસિક કોર્પોરેશન હોલ છે, જ્યાં મુંબઈના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા થાય છે. ગ્લાસગો અને બર્મિંગહામના મ્યુનિસિપલ હોલથી પ્રેરિત, ચેમ્બરને ૨૦૦૩ ની આગમાં નુકસાન થયું હતું પરંતુ ત્યારબાદ તેની મૂળ સ્થાપત્ય ભવ્યતામાં પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું. જોકે ઐતિહાસિક હૉલ તેના વધારાના નામાંકિત સભ્યો અને વધતી જતી બેઠક જરૂરિયાતોને પહોંચી વળવામાં અગવડ થઈરહી હતી. પ્રસ્તાવિત ટાઉન હૉલ દ્વારા લાંબા સમયથી ચાલી આવતી જગ્યાની આ અછત દૂર થશે તેવી અપેક્ષા છે.

વધુ જુઓ...