મુંબઈ: નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી મચ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ પહેલાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ લંડન પહોંચ્યા હતા. બીજી તરફ, ફિલ્મનું વિદેશી એડવાન્સ બુકિંગ 5 મિલિયન અમેરિકી ડોલરની નજીક પહોંચી ગયું છે, જે ફિલ્મ માટે સારા સંકેત માનવામાં આવે છે.
લંડનમાં ફિલ્મની ટીમે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. તે દરમિયાન કલાકારોએ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે મુલાકાતો પણ કરી હતી. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સાથે ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારી તથા નિર્માતા નમિત મલ્હોત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. ટીમે ફોટોગ્રાફ્સ અને સેલ્ફી પડાવી હતી, જ્યારે રણબીરના ધનુષ્ય-બાણવાળા પોસ્ટર પોઝને પણ ફરીથી રજૂ કર્યો હતો.
લંડન પ્રમોશન ફિલ્મના આંતરરાષ્ટ્રીય પ્રચાર અભિયાનનો અંતિમ તબક્કો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હવે ફિલ્મની રિલીઝ પહેલાં વિદેશી બજારમાં ટિકિટોના વેચાણ પર સૌની નજર છે. રિપોર્ટ્સ અનુસાર, ‘રામાયણ’નું વિદેશી એડવાન્સ બુકિંગ આશરે 4.71 મિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચી ગયું છે. એટલે કે ફિલ્મ 5 મિલિયન ડોલરના આંકડાથી હવે બહુ દૂર નથી.
વિદેશી બજારમાં સૌથી વધુ યોગદાન ઉત્તર અમેરિકા એટલે કે અમેરિકા અને કેનેડાનું છે, જ્યાંથી આશરે 3.56 મિલિયન ડોલરની એડવાન્સ ટિકિટો વેચાઈ છે. અન્ય વિદેશી બજારોમાં બ્રિટન અને આયર્લેન્ડમાંથી આશરે 4,45,100 ડોલરનું બુકિંગ નોંધાયું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી લગભગ 4,31,700 ડોલરની ટિકિટો વેચાઈ છે.
‘રામાયણ’ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીની ભૂમિકા ભજવી રહ્યો છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં અને નમિત મલ્હોત્રાના નિર્માણમાં બની રહેલી આ ફિલ્મ બે ભાગમાં રજૂ થનારી મહાકાવ્ય ગાથાનો પ્રથમ ભાગ છે.