Tue Nov 10 2026

Logo

પાલિકાની ઑફિસોમાં થતા વીજ વપરાશનું મૂલ્યાંકન થશે: ટૅક્નિકલ કમિટીની રચના કરાશે

2026-11-03 08:37:00
Author: Sapna Desai
પાલિકાની ઑફિસોમાં થતા વીજ વપરાશનું મૂલ્યાંકન થશે: ટૅક્નિકલ કમિટીની રચના કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય સહિત ૨૬ પ્રશાસકીય વોર્ડમાં મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. વીજળીની બચત અને ખર્ચ પર નિયંત્રણ મેળવવા માટે  વીજળીના વપરાશનું વ્યાપક મૂલ્યાંકન કરવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. તે માટે એક ટૅકનિકલ સમિતિની નિમણૂક કરવામાં આવવાની છે. આ સમિતિ વીજળીના વપરાશનું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ ગાઈડલાઈન નક્કી કરશે. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવનારી આ સમિતિમાં ટાટા પાવર, મહાવિતરણ ને મહાનગરપાલિકાના નિવૃત્ત અધિકારીઓ હશે. આ સમિતિ બે મહિનાની અંદર એક અહેવાલ રજૂ કરશે અને મહાનગરપાલિકાના વીજ ઉત્પાદન પ્રોજેક્ટની ઊર્જા બચત, વીજળી ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતા અંગે મહત્ત્વપૂર્ણ ભલામણો કરશે. તેનો લગતો પ્રસ્તાવ સ્થાયી સમિતીમાં મંજૂરી માટે આવવાનો છે.

 મુંબઈ મહાનગરપાલિકાના મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગે પાલિકાના ૨૬ પ્રશાસકીય વોર્ડ અને તેના મુખ્યાલમાં  વીજળીના વપરાશ અને ઊર્જા બચત અંગે વ્યાપક અહેવાલની સમીક્ષા અને તૈયારી કરવા માટે એક ટૅકનિકલ સમિતિની પસંદગી કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીના જણાવ્યા અનુસાર પાલિકાની માલિકીના કેપ્ટિવ પાવર જનરેશન પ્રોજેક્ટના વર્તમાન વીજળી વપરાશ પેટર્ન, ઊર્જા બચત ક્ષમતા અને કાર્યક્ષેત્ર પર એક વ્યાપક નિદાન અહેવાલ આ સમિતિ પાસેથી અપેક્ષિત છે. આ સમિતિ વિશ્ર્લેષણ કાર્ય કરશે અને અહેવાલ આપશે.

એવું કહેવામાં આવે છે કે આ ટૅકનિકલ સમિતિની રચના ઊર્જા પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને ઓપન એક્સેસ દ્વારા વીજળીની ખરીદીને અનુરૂપ વીજળી ખર્ચને શ્રેષ્ઠ બનાવવા માટે પૉલિસી ગાઈડલાઈન તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે.