થાણે: ચેમ્બુરથી પનવેલ જતી યુવતીને નવી મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીકના નિર્જન સર્વિસ રોડ પર ભયાનક અનુભવ થયો હતો. નરાધમ કૅબ ડ્રાઈવરે પાણી પીવાને બહાને પાછળની સીટ પર આવી વિનયભંગ પછી યુવતીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની મધરાતે એક વાગ્યાની આસપાસ બની હતી. યુવતીની બહેનપણીએ મુંબઈના ચેમ્બુરથી પનવેલના નિવાસસ્થાને જવા માટે કૅબ બુક કરાવી આપી હતી.
નવી મુંબઈના ઍરપોર્ટથી આશરે બે કિલોમીટરના અંતરે સર્વિસ રોડ પર ડ્રાઈવર મોહમ્મદ અફઝલ શેખે પાણી પીવાને બહાને કૅબ રોકી હતી. કૅબની બહાર નીકળીને તે પાછળી સીટ પર આવ્યો હતો. યુવતીનો હાથ પકડ્યા પછી તેના કપડાં કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.
મદદ માટે બૂમો પાડતી યુવતી આરોપીની ચુંગાલમાંથી છટકી જવામાં સફળ થઈ હતી. તરત જ પરિવારજનોનો સંપર્ક સાધી યુવતી ઘરે પહોંચી હતી. બાદમાં વડીલો સાથે ફરિયાદ નોંધાવવા પનવેલ પોલીસ સ્ટેશને ગઈ હતી.
ઘટના નવી મુંબઈ ઍરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી ગુનો ત્યાં નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી શેખની શોધ હાથ ધરી હતી.
(પીટીઆઈ)