Tue Oct 06 2026

Logo

ગેરકાયદે અટકાયત બદલ બોમ્બે હાઇ કોર્ટનો મોટો આદેશ: સરકાર અરજદારને ₹2 લાખનું વળતર ચૂકવે

2026-09-07 21:09:00
Author: Mumbai Samachar Team
ગેરકાયદે અટકાયત બદલ બોમ્બે હાઇ કોર્ટનો મોટો આદેશ: સરકાર અરજદારને ₹2 લાખનું વળતર ચૂકવે

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને 26 વર્ષીય યુવકને ગેરકાયદે અટકાયતમાં રાખવા બદલ 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. હાઈ કોર્ટની નાગપુર બેન્ચેના ન્યાયમૂર્તિ ઉર્મિલા જોશી-ફાલકે અને રાજ વાકોડેએ 31 ઓગસ્ટના પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે અકોલા પોલીસે અરજદાર વૈભવ સૂર્યવંશીની  ગેરકાયદેસર અટકાયત કરીને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. 

અદાલતે તેના આદેશમાં જણાવ્યું હતું કે,કાયદાનું રક્ષણ કરવાની પ્રાથમિક જવાબદારી ધરાવતી પોલીસ જ કાયદાનો ભંગ કરે, ત્યારે તેને કડક સજા થવી જ જોઈએ, જેથી અસરકારક રીતે નિવારક અસર ઊભી કરી શકાય અને સમાજમાં વિશ્વાસ જગાડી શકાય."

"મહારાષ્ટ્ર રાજ્ય પોલીસનું સૂત્ર 'સદ્રક્ષણાય ખલનિગ્રહણાય' (સજ્જનોનું રક્ષણ અને દુર્જનોને દંડ) છે અને તેનું સન્માન થવું જોઈએ," એમ હાઈકોર્ટે રાજ્ય સરકારને અરજદારને આઠ અઠવાડિયાની અંદર ૨ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપતી વખતે કહ્યું હતું. હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ ધરપકડના કારણો દર્શાવતું સમન્સ કે મેમો સૂર્યવંશીને જારી કરવામાં પણ પોલીસ નિષ્ફળ રહી હતી.

અરજદારે અકોલાના બે પોલીસ અધિકારીઓ સામે તેમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ યોગ્ય કાર્યવાહી કરવાની, તેમજ ગેરકાયદેસર અટકાયત બદલ વળતરની માંગણી કરી હતી. 

અરજી મુજબ, માર્ચ ૨૦૨૪માં સૂર્યવંશી તેમના પિતા અને કાકાની માલિકીની હોટેલમાં હતા, ત્યારે પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે બે પોલીસકર્મીઓએ પહેલાં તેના કાકા વિશે પૂછપરછ કરી અને રકમની માંગણી કરી. સૂર્યવંશીએ ના પાડતા પોલીસકર્મીઓએ તેને અપશબ્દો કહ્યા અને કસ્ટડીમાં લીધો હતો.