Sat Sep 12 2026

Logo

ઓગસ્ટમાં વરસાદની ખેંચથી ચિંતા: સૌરાષ્ટ્ર-કચ્છમાં કૃત્રિમ વરસાદ  વરસાવવા વિચારણા

2026-08-26 11:06:00
Author: Mumbai Samachar Team
ઓગસ્ટમાં વરસાદની ખેંચથી ચિંતા: સૌરાષ્ટ્ર-કચ્છમાં કૃત્રિમ વરસાદ  વરસાવવા વિચારણા

ભુજઃ  સુપર અલ-નીનો સક્રિય થતાં ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન મેઘરાજાએ વિરામ લેતાં જળસંકટની ચિંતા ઘેરી બની છે. ખાસ કરીને ઓછો વરસાદ ધરાવતા સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં અછતની સ્થિતિ સામે કૃત્રિમ વરસાદ એટલે કે,ક્લાઉડ સીડિંગ  વરસાવવાનો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે.  

હવામાન નિષ્ણાત ચિરાગ શાહના જણાવ્યા મુજબ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જેવા સરહદી વિસ્તારોમાં ક્લાઉડ સીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તેમ છે. જ્યારે વાતાવરણમાં વાદળો બને છે પરંતુ કુદરતી પ્રક્રિયાના અભાવે વરસાદ વરસતો નથી, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાદળોમાં ચોક્કસ પદાર્થોના કણોનો છંટકાવ કરીને વરસાદ વરસાવવા પ્રયાસ કરવામાં આવે છે.

જોકે, કૃત્રિમ વરસાદ માટે માત્ર વાદળોની હાજરી પૂરતી નથી, પરંતુ વાતાવરણમાં ભેજનું પૂરતું પ્રમાણ અને પવનની સાનુકૂળ ગતિ હોવી અનિવાર્ય છે. તંત્ર દ્વારા હવામાનની સ્થિતિ અને વાતાવરણીય માપદંડોનું આંકલન કર્યા બાદ જ ક્લાઉડ સીડિંગ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

હવામાન વિભાગ મુજબ રાજ્યમાં રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. ભારે વરસાદની શક્યતા નહિવત છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે.  મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી રહેશે. જેના કારણે ચોમાસામાં ઉકળાટનો અનુભવ થશે.


(ઉત્સવ વૈદ્ય)