Mon Sep 07 2026

Logo

રાજકોટનો પટેલ યુવક પત્નિને છોડીને પ્રેમિકા સાથે રહેવા ગયો ને પછી પ્રેમિકાની ફ્રેન્ડના ઘરેથી કૂદીને કર્યો આપઘાત, રહસ્યમય મૃત્યુ વિશે જાણો

2026-08-26 11:19:50
Author: Mayur Patel
રાજકોટનો પટેલ યુવક પત્નિને છોડીને પ્રેમિકા સાથે રહેવા ગયો ને પછી પ્રેમિકાની ફ્રેન્ડના ઘરેથી કૂદીને કર્યો આપઘાત, રહસ્યમય મૃત્યુ વિશે જાણો

રાજકોટઃ રાજકોટનો પટેલ યુવક પત્નિને છોડીને પ્રેમિકા સાથે રહેવા ગયો હતો. જે બાદ પ્રેમિકાની ફ્રેન્ડના ઘરેથી કૂદીને  આપઘાત કર્યો હતો. ઘટના બાદ રહસ્યમય મૃત્યુ વિશે અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, રાજકોટના રૈયાગામ સ્મશાન નજીક આવેલી 13 માળની પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી નીચે ઝંપલાવીને 42 વર્ષીય પાટીદાર અગ્રણી નિમેષ ભંડેરીએ બે દિવસ પહેલા આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પરિવારે આ મોતમાં શંકા વ્યક્ત કરી તપાસની માંગણી કરી હતી. રાત્રે અંદાજે 1:39 વાગ્યે પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી નિમેષે ઝંપલાવ્યું હતું. નિમેષ તેની પ્રેમિકાની ફ્રેન્ડના ઘરે ગયો હતો. મોડી રાત્રે પ્રેમિકાના ફ્રેન્ડની દીકરી પાણી પીવા ઊઠી ત્યારે નિમેષ રૂમમાં ન દેખાતા તેણે ગેલેરીમાંથી જોયું તો તે નીચે પછડાયેલી હાલતમાં મળ્યો હતો. 

પોલીસમાંજ જાહેર થયેલી વિગત પ્રમાણે. નિમેષના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને તેમને બે સંતાન છે. પારિવારિક વિવાદને કારણે માતા-પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકતા તે છેલ્લા અઢી વર્ષથી પ્રેમિકા સાથે મૈત્રી કરાર હેઠળ લિવ-ઇનમાં રહેતો હતો.

મૃતક નિમેષ ભંડેરી રાજકોટ શહેર ભાજપ વોર્ડ નંબર 17નો અગ્રણી હતો અને અગાઉ કિસાન મોરચામાં પણ સક્રિય જવાબદારી નિભાવી ચૂક્યો હતો.મૃતકના બનેવીએ  જણાવ્યું કે આ સામાન્ય આપઘાત નથી પરંતુ શંકાસ્પદ મોત છે, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરીને પ્રેમિકા, પ્રેમિકાની ફ્રેન્ડ સહિતના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. નિમેષ મોડી રાત્રે પ્રેમિકાના ફ્રેન્ડના ઘરે શા માટે પહોંચ્યો અને ક્યા સંજોગોમાં આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે. 

આ ઘટનાના પગલે રાજકોટ ભાજપ સહિત શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને અનેક પ્રકારના તર્ક વિતર્ક વહેતા થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે, મૃતક પાણીનો પ્લાન્ટ ચલાવતો હતો અને આર્થિક ભીંસના કારણે આ પગલું ભર્યું હતું.