Fri Sep 11 2026

Logo

મથકો પાછળ સિંગતેલમાં રૂ. 10નો પ્રત્યાઘાતી ઘટાડો, સોયા-સન તેલમાં નરમાઈ

2026-08-25 19:43:59
Author: Ramesh Gohil
મથકો પાછળ સિંગતેલમાં રૂ. 10નો પ્રત્યાઘાતી ઘટાડો, સોયા-સન તેલમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 222 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં 10 કિલોદીઠ સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડમાં રૂ. પાંચ ઘટી આવ્યા હતા, જ્યારે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 30નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25નો ઘટાડો આવ્યો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં રૂ. 10નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1480, સોયા રિફાઈન્ડના રૂ. 1475 અને સન રિફાઈન્ડના રૂ. 1785, ગોલ્ડન એગ્રીના સપ્ટેમ્બર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1515, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1465, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1471 અને સોયા રિફાઈન્ડના રૂ. 1458 અને પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1495, સોયા રિફાઈન્ડના રૂ. 1490 અને સન રિફાઈન્ડના રૂ. 1750 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. જોકે, આજે ગોકુલ એગ્રોની સોયા રિફાઈન્ડમાં બાયબેકમાં લેવાલી નીકળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે ગોંડલ મથકે 2000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં અને રાજકોટ મથકે 500 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં ટકેલા ધોરણે થયા હતા. તેમ જ ગોંડલ મથક પર વિવિધ તેલોમાં 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1700થી 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1625થી 1630 અને કપાસિયા રિફાઈન્ડના રૂ. 1670થી 1675માં થયા હતા.  તેમ જ આજે રાજકોટ ખાતે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2700માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1700માં થયાના અહેવાલ હતા. 

આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1485, સન રિફાઈન્ડના રૂ. 1760, સિંગતેલના રૂ. 1770, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1710 અને સરસવના રૂ. 1780ના મથાળે રહ્યા હતા.