ટોરન્ટો: અમેરિકા અને પાડોશી દેશ કેનેડા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ વધ્યો છે. જેમાં કેનેડાએ હવે અમેરિકાની 700 થી વધુ પ્રોડકટ પર ટેરિફની જાહેરાત કરી દીધી છે. કેનેડા સ્ટીલ અને ઘરગથ્થુ ઉપકરણો સહિતની પ્રોડક્ટ પર ટેરિફ લગાવશે. આ પૂર્વે શનિવારે અમેરિકાએ બે કરોડ ડોલરના કેનેડિયન ઉત્પાદનો પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે વધુ 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી
જોકે, શુક્રવારે વોશિંગ્ટનમાં અમેરિકા અને કેનેડા વચ્ચે ટ્રેડ ડીલનો અંતિમ પ્રયાસ થયો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન નેતાઓને અમેરિકન નીતિ સાથે સુસંગત રહેવાનું કહીને વિવાદને વધુ વધાર્યો હતો. તેમજ ચેતવણી આપી કે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામો પહેલાથી જ લાગુ કરાયેલા ટેરિફ કરતાં વધુ ગંભીર હોઈ શકે છે. તેમણે કેનેડાથી આયાત થતા વાહનો, ઓટો પાર્ટ્સ અને સ્ટીલ પર નવો 50 ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.
કેનેડાને ગૌણ ગણવાનું વલણ અસ્વીકાર્ય
અમેરિકા સાથે ટ્રેડ ડીલ નિષ્ફળ ગયા બાદ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ જણાવ્યું હતું કે અમેરિકા કેનેડાને પોતાને આધીન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા રજૂ કરાયેલી વેપાર સંબંધિત માંગણીઓએ કેનેડાના શંકાને પુષ્ટિ આપી છે કે અમેરિકા તેના મુખ્ય ઉદ્યોગોને નબળા પાડવા અને આખરે તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાર્નેએ જણાવ્યું કે વાટાઘાટોના ટેબલ પર કેનેડાને અમેરિકાના ગૌણ ગણવાનું વલણ અસ્વીકાર્ય છે.
અમેરિકાને કેનેડાની જરુર નથી
આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે, કેનેડા વર્ષોથી અમેરિકા સાથે છેતરપિંડી કરી રહ્યું છે. તેમજ તેની સાથે વેપાર ખાધ વધી છે. અમેરિકાને કેનેડાની જરુર નથી.