અમ્સ્ટેલવીનઃ ભારતનું મહિલા હૉકી વર્લ્ડ કપ 2026 જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. ટીમે ઓસ્ટ્રેલિયા સામે બીજા રાઉન્ડની છેલ્લી મેચ રમી હતી, જેમાં એક પણ ગોલ થઈ શક્યો નહીં અને મેચ ડ્રો રહી હતી.
બંને ટીમોએ સમગ્ર મેચ દરમિયાન સખત લડત આપી હતી પરંતુ ચાર ક્વાર્ટરમાં કોઈ પણ ટીમ ગોલ કરી શકી ન હતી. મેચ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્નેના 2-2 પોઈન્ટ હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાએ ભારત કરતા એક ગોલ વધુ કર્યો હતો. આમ તેણે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતની બલજીત કૌરને સાતમી મિનિટમાં ગ્રીન કાર્ડ મળ્યું, જ્યારે ઓસ્ટ્રેલિયાની સ્ટુઅર્ટ ટૈટમને 11મી મિનિટે ગ્રીન કાર્ડ બતાવવામાં આવ્યું. આ મેચમાં કુલ નવ પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ ટીમ આ તકોને ગોલમાં ફેરવી શકી નહીં.
મેચના પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ ગોલ કરી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ રમતની પ્રથમ મિનિટમાં ગોલ કર્યો પરંતુ ભારતે તેને પડકાર્યો હતો. ત્યારબાદ ગોલ રદ કરવામાં આવ્યો. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો, પરંતુ કોઈ ગોલ થયો નહોતો.
બીજા ક્વાર્ટરમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો, પરંતુ કોઈ પણ ટીમ ગોલ કરી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાને 17મી મિનિટે પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો હતો, પરંતુ કાંગારૂઓ તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.
ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ ઉત્તમ પ્રદર્શન કર્યું. પછી બીજા ક્વાર્ટરના અંત પહેલા 30મી મિનિટે ભારતને પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.