હિન્દી સિનેમામાં દરેક અવસર માટે ગીત હાજર છે. તે લગ્ન હોય કે જન્મદિવસ કે પછી હોળીથી લઈને ગણપતિપૂજન સુધી, દરેક ખાસ અવસર માટે ઘણા ગીતો છે. એવામાં એક ગીત 1981માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ સે બઢકર કોન'નું છે, જેમાં ગણપતિ બાપ્પાનું ગીત 'દેવા હો દેવા' આજે પણ દર વર્ષે ગણેશોત્સવના પાવન અવસરે વગાડવામાં આવે છે. લગભગ 45 વર્ષ બાદ પણ આ ગીતે પોતાની લોકપ્રિયતા છોડી નથી. મિથુન ચક્રવર્તી, ડેની ડેંગજોંગપા અને અમજદ ખાન જેવા દિગ્ગજોએ સ્ક્રીન પર બાપ્પાના આ ગીતને 5 ગાયકોના અવાજો સાથે અમર બનાવી દીધું હતું.
1981માં રિલીઝ થયેલી ફિલ્મનું ગીત બન્યું સુપરહિટ
દીપક બાહરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'હમ સે બઢકર કોન' 3 જુલાઈ 1981 માં રિલીઝ થઈ હતી. આ એક્શન એડવેન્ચર ફિલ્મ ચાર ભાઈઓની કહાની પર આધારિત છે. જે બાળપણમાં એકબીજાથી છુટા પડી જાય છે અને મોટા થઈને અલગ અલગ રસ્તાઓ પર ચાલે છે. મુખ્ય ભૂમિકામાં મિથુન ચક્રવર્તી, અમઝદ ખાન, ડેની ડેંગજોંગપા, વિજયેન્દ્ર ઘાટગે, રંજીત કૌર અને કાજલ કિરણ સામેલ હતા. સંગીત રામ લક્ષ્મણએ આપ્યું હતું અને ગીત રવિંદર રાવલ દ્વારા લખવામાં આવ્યું હતું.
'દેવા હો દેવા ગણપતિ દેવા' ગીત ફિલ્મનું સૌથી યાદગાર ટ્રેક સાબિત થયું હતું. ગીત સંસ્કૃત શ્લોક 'વક્ર્તુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ'થી શરૂ થાય છે ત્યાર બાદ ભક્તિ અને ઉત્સાહથી ભરેલા શબ્દો આવે છે, 'દેવા હો દેવા ગણપતિ દેવા તુમસે બઢકર કોન.. ઓર તુમ્હારે ભક્તજનો મેં હમસે બઢકર કોન.' આ ગીત ભક્તોની આસ્થા અને આશાને પણ વ્યક્ત કરે છે.
પાંચ ગાયકે ગાયુ અને યાદગાર બનાવ્યું આ ગીત
આ ગીતની સૌથી મોટી ખાસિયત તેના ગાયકો છે. મોહમ્મદ રફી, આશા ભોંસલે, ભુપિન્દર સિંહ, શૈલેન્દ્ર સિંહ અને સપના ચક્રવર્તીએ મળીને ગાયું છે. રફી સાહેબનો ગંભીર અને ભાવપૂર્ણ અવાજ શ્લોકમાં દેખાય છે. લગભગ 7 મિનિટ અને 12 સેકન્ડ લાંબુ આ ગીત પારંપરિક ભજન, મંજીરા અને ડ્રમ બીટ્સની સાથે ભારતીય સંગીતની સુંદર મિસાલ છે. જયારે પણ 'ગણપતિ બાપ્પા મોરયા' બોલાય ત્યારે આ ગીત મનમાં ગણગણાવા માંડે છે.