Mon Aug 24 2026

Logo

પડિક્કલની શૂન્ય અને એક રન પર મળેલા જીવતદાન પછી બૅક-ટુ-બૅક સેન્ચુરી

colambo   2026-08-23 21:26:00
Author: Ajay Motiwala
Article Image

PTI


છેલ્લી ટેસ્ટના પહેલા દાવમાં ભારતના પાંચ વિકેટે 300 રન

કોલંબોઃ શ્રીલંકા (SriLanka)ને ગૉલની પ્રથમ ટેસ્ટમાં ભારતના બોલર્સમાં કુલ 10 વિકેટ લેનાર સ્પિનર માનવ સુથાર ખૂબ ભારે પડ્યો હતો, પરંતુ બૅટ્સમેનોમાં દેવદત્ત પડિક્કલ (Padikkal) શ્રીલંકાની હાર માટે નિમિત્ત બન્યો હતો એટલે અહીં કોલંબોમાં રવિવારે શરૂ થયેલી બીજી અને આખરી ટેસ્ટમાં તેમણે પડિક્કલને ખાસ અંકુશમાં રાખવાનો હતો, પરંતુ તેને ઇનિંગ્સની શરૂઆતમાં જ બે જીવતદાન આપીને શ્રીલંકાની ટીમે જાણે પોતે જ પોતાને મુસીબતમાં મૂકી દીધી છે.

ભારતે રમતના અંત સુધીમાં પાંચ વિકેટે 300 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલ સાત રન અને નવોદિત સ્પિન ઑલરાઉન્ડર સારાંશ જૈન ચાર રન બનાવીને દાવમાં હતો. ઈજાને કારણે રિટાયર-હર્ટ થયેલો રિષભ પંત સોમવારે કદાચ ફરી બૅટિંગ કરશે.

શ્રીલંકનોમાં ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો (46 રનમાં ત્રણ વિકેટ) સૌથી વધુ સફળ હતો. યજમાન ટીમના સાત બોલર્સ ભારતને 300 રનના આંકડા સુધી પહોંચતું નહોતા રોકી શક્યા.

ચોથી જ ટેસ્ટમાં બન્યો તારણહાર

રવિવારે કે. એલ. રાહુલ 18 રન બનાવીને આઉટ થયો ત્યારે વનડાઉનમાં રમવા આવેલો પડિક્કલ ક્રીઝમાં માંડ સેટ થાય ત્યાં તેને પહેલાં તો શૂન્ય પર અને પછી એક રન પર જીવતદાન મળ્યું હતું. બસ, શ્રીલંકાને એ બે ભૂલ ભારે પડી હતી. પડિક્કલે (117 રન, 193 બૉલ, બાર ચોગ્ગા) પાછું વળીને જોયું જ નહીં અને સતત બીજી ટેસ્ટ સેન્ચુરી ફટકારી દીધી. આ તેની ચોથી જ ટેસ્ટ છે અને તેણે સતત બીજી ટેસ્ટમાં ટીમના તારણહાર બનવું પડ્યું છે. ગૉલની પ્રથમ ટેસ્ટમાં તેણે 167 રન અને 44 રનની ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો. રવિવારે બૅટિંગ દરમ્યાન એક સમયે તેણે ખભાના સ્નાયુઓના દુખાવાને લીધે ફિઝિયોથેરપિસ્ટ પાસે સારવાર લેવી પડી હતી.

ઇન્ફૉર્મ બૅટ્સમૅનને એક તો ઠીક, પણ ઉપરાઉપરી બબ્બે જીવતદાન મળે તો એનો લાભ ઉઠાવ્યા વિના રહે જ નહીં. પડિક્કલે સમયસર ફરી એક વખત સદી ફટકારી અને તેના આ પર્ફોર્મન્સને કારણે જ ભારત રવિવારના પ્રથમ દિવસે 5/300ના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. પડિક્કલે યશસ્વી જયસ્વાલ (45 રન) સાથે 29 રનની, કૅપ્ટન શુભમન ગિલ (50 રન, 108 બૉલ, છ ચોગ્ગા) સાથે 120 રનની અને રવીન્દ્ર જાડેજા (43 રન, 83 બૉલ, ચાર ચોગ્ગા) સાથે 74 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી.

સારાંશે ચોગ્ગા સાથે કારકિર્દી શરૂ કરી

33 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય શરૂ કરનાર સારાંશ જૈને બૅટિંગમાં આવ્યા બાદ પોતાના પહેલા જ બૉલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. શ્રીલંકનોએ ખાસ કરીને સારાંશના ઑફ-સ્પિનનો પરચો જોવો પડશે.