મુંબઈઃ સાઉથ સિનેમાના સુપરસ્ટાર સૂર્યાની નવી ફિલ્મ ‘વિશ્વનાથ એન્ડ સન્સ’ (Viswanath & Sons) હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના 9 દિવસ બાદ પણ પ્રેક્ષકોમાં આ ફિલ્મ માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બીજા વિકએન્ડમાં ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો નોંધાયો છે, જેનાથી મેકર્સ માલામાલ થઈ ગયા છે. થિયેટરોમાં ફિલ્મની સ્ટારકાસ્ટના અભિનય તેમજ સૂર્યાની પ્રશંસા થઈ રહી છે.
9મા દિવસે રૂપિયા 7.25 કરોડનું શાનદાર નેટ કલેક્શન
બોક્સ ઓફિસ અહેવાલ મુજબ, સૂર્યાની આ ફિલ્મે 9મા દિવસે પણ મજબૂત પકડ જાળવી રાખીને રૂપિયા 7.25 કરોડનું શાનદાર નેટ કલેક્શન કર્યું છે. શનિવારે થિયેટરોમાં આશરે 41.3% ઓક્યુપેન્સી નોંધાઈ હતી અને દેશભરમાં લગભગ 3,007 થી વધુ શો ચલાવવામાં આવ્યા હતા. પ્રથમ અઠવાડિયામાં જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યા બાદ હવે બીજા વિકએન્ડ પર પણ ફિલ્મે કમાણીનો આ સિલસિલો યથાવત રાખ્યો છે.
ભારતમાં કુલ ગ્રોસ કલેક્શનમાં 100 કરોડનો આંકડો પાર
કમાણીના આંકડાઓની વાત કરવામાં આવે તો, ભારતમાં આ ફિલ્મે માત્ર 9 દિવસમાં રૂપિયા 93.35 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. જ્યારે ભારતનું કુલ ગ્રોસ કલેક્શન રૂપિયા 100 કરોડનો આંકડો વટાવીને રૂપિયા 107.97 કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે પણ ફિલ્મનો જાદુ ચાલ્યો છે અને ફિલ્મે અત્યાર સુધીમાં કુલ રૂપિયા 160.22 કરોડની જંગી કમાણી કરી લીધી છે.