તહેવારોમાં ખાંડ મીઠી થશે કે વધુ કડવી તેનો આધાર સપ્ટેમ્બર મહિનાના મુક્ત વેચાણના ક્વૉટા પર
રમેશ ગોહિલ
સામાન્યપણે દેશમાં ઑગસ્ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થતી હોવાથી સરકાર વર્તમાન ઑગસ્ટ મહિનાના મુક્ત વેચાણ માટે વધુ ક્વૉટાની જાહેરાત કરે તેવો બજારમાં આશાવાદ સેવાઈ રહ્યો હતો, પરંતુ સરકારે આગલા જુલાઈ મહિનાના બાવીસ લાખ ટનના ક્વૉટા સામે સાધારણ વધારા સાથે 22.50 લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો હતો, જ્યારે બજારમાં 24 લાખ ટનની અપેક્ષા રાખવામાં આવી હતી. આમ એકંદરે અપેક્ષા કરતાં ઓછા ક્વૉટાની જાહેરાત અને તેની સામે તહેવારોની મોસમ માટેની માગમાં વધારો થવાથી ગત પહેલી ઑગસ્ટથી અત્યાર સુધીમાં અર્થાત તા. 1થી 22 ઑગસ્ટ દરમિયાન નવી મુંબઈ સ્થિત જથ્થાબંધ ખાંડ બજારમાં હાજરમાં ખાંડના ભાવ જે 31મી જુલાઈના રોજ ક્વિન્ટલે રૂ. 4502થી 4762 હતા તે આજે અંદાજે 37 ટકાના ઉછાળા સાથે રૂ. 6200થી 6522 આસપાસની સપાટીએ રહ્યા છે. જોકે, આગામી નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારોમાં ખાંડ મીઠી થશે કે વધુ કડવી થશે તેનો આધાર આગામી સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનાના મુક્ત વેચાણના ક્વૉટા પર અવલંબિત રહે તેવું બજાર વર્તુળોનું માનવું છે.
એકંદરે ઑગસ્ટ મહિનાના પહેલા સપ્તાહથી જ બજારમાં તેજીનાં મંડાણ થતાં સરકારે સૌપ્રથમ સરકારે પહેલી ઑગસ્ટથી જ 30મી નવેમ્બર સુધી અમલી બને તેમ ડીલરો પર 400 ટનની સ્ટોક મર્યાદા લાદી હતી. તેમ જ તાજેતરમાં આગામી પહેલી સપ્ટેમ્બરથી અમલી બને તેમ બલ્ક અથવા તો ઔદ્યોગિક વપરાશકારો માટે માત્ર 15 દિવસની વપરાશી માગ જેટલી સ્ટોક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે અને કેન્દ્ર તથા રાજ્ય સ્તરના અધિકારીઓએ સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ડામવા માટે મિલો પર રૂબરૂ જઈને સ્ટોકની તપાસણી શરૂ કરી હતી. વધુમાં સરકારે સ્થાનિકમાં ઉપલબ્ધિ વધારવા માટે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટીમુક્ત આયાત માટે પણ મંજૂરી આપી છે. સરકાર દ્વારા વધતા ભાવને અંકુશમાં રાખવા માટે લેવાયેલા પગલાંને કારણે ભાવ કેટલાં દબાણ હેઠળ આવશે એ અંગે ઉદ્યોગ વર્તુળો તરફથી કોઈ સંકેત નથી મળતા, પરંતુ તેઓનું એટલુ જરૂર માનવું છે કે સરકારના આ પગલાઓથી ભાવ વધતા તો અટકશે.
વધુમાં સરકારે ગ્રાહકો અને શેરડીનાં ખેડૂતોના હિત જાળવવા માટેની પ્રતિબદ્ધતા દાખવવાની સાથે અમે ખાંડના સ્ટોક, ભાવ અને બજારની પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ અને સંગ્રહખોરી તથા ગેરવાજબી ભાવ વધારાને ડામવા માટે તમામ જરૂરી પગલા લેવાની ખાતરી આપી છે.
ખાંડના ભાવવધારા માટે ઈથેનોલ જવાબદાર નથીઃ અમુક વર્ગનું માનવુ છે કે ખાંડની વધુ માત્રાને ઈથેનોલ તરફ વિકેન્દ્રીત કરવાને કારણે સ્થાનિક વપરાશી માગ માટેની ઉપલબ્ધિમાં ઘટાડો થયો છે. જોકે, સરકારે આ મંતવ્યને રદિયો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં 12 ટકા ખાંડ ઈથેનોલ માટે વિકેન્દ્રીત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2025-26માં માત્ર નવ ટકા ખાંડ જ વિકેન્દ્રીત કરવામાં આવી છે અને અંદાજે ત્રણ ચતુર્થાંશ ઈથેનોલનું ઉત્પાદન મકાઈ સહિતના અનાજમાંથી થયુ છે. તાજેતરમાં ખાંડના ભાવમાં જોવા મળેલો ઘટાડો મુખ્યત્વે સ્થાનિકમાં અંદાજ કરતાં ઓછું ઉત્પાદન, તહેવારોની મોસમ પૂર્વે વધેલી માગ, પ્રતિકૂળ હવામાનને કારણે શેરડીના પાકને થયેલું નુકસાન, વૈશ્વિક સ્તરે તંગ પુરવઠો અને ઉદ્યોગના અમુક વર્ગમાં સટ્ટાખોરી અને સંગ્રહખોરી જેવા કારણો જવાબદાર હોવાનું સરકારનું માનવું છે. જોકે, ઈથેનોલના કાર્યક્રમને કારણે ખડૂતોની આવકમાં વૃદ્ધિ થવાની સાથે ખાંડ મિલોની સ્થિતિ પણ મજબૂત બની હોવાનું સરકારે એક યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે સામાન્યપણે દેશમાં 320થી 340 લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય છે તેની સામે સ્થાનિક વપરાશી માગ 280થી 290 લાખ ટનની હોય છે. અગાઉ ખાંડના અતિરિક્ત ઉત્પાદનના કિસ્સામાં મિલોનો સ્ટોક બ્લોક થઈ જતો હતો અને ખેડૂતોની શેરડીની ખરીદી પેટેની ચુકવણીમાં વિલંબ થતો હતો, પરંતુ હવે અતિરિક્ત સ્ટોકની માત્રા ઈથેનોલ તરફ વાળવાથી મિલોની નાણાસ્થિતિમાં સુધારો થયો છે અને ખેડૂતોની ચુકવણી પણ પાટે ચડી છે.
દેશમાં ખાંડના ભાવમાં ઘટાડો થાય તે માટે સરકાર પગલાં લઈ રહી છે અને તેમાં તેને સફળતા પણ મળશે, પરંતુ સામે પક્ષે ગ્રાહકોએ પણ ભાવ વધારાના ગભરાટમાં આવશ્યકતા કરતાં વધુ ખરીદીથી દૂર રહેવું પણ એટલુ જ જરૂરી હોવાનું ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશનનાં ચેરમેન પ્રફુલ્લભાઈ વિઠ્ઠલાણીએ જણાવતા ઉમેર્યું હતું કે 10 લાખ ટન કાચી ખાંડની આયાતની છૂટ આપવાથી ઑક્ટોબરમાં ઉત્પાદિત થયેલી ખાંડનું વેચાણ થઈ શકશે આથી વધુ આયાત કરવાની જરૂર નહીં પડે એવું મારું માનવુ છે. જોકે, સરકાર અને ઉદ્યોગે વર્તમાન મોસમના ખાંડના ઉત્પાદન અને માગના અંદાજ બાબતે કોઈ થાપ ખાધી છે કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં અને સરકારી પગલાંઓને કારણે કેટલા સમયગાળામાં કેટલી માત્રામાં ઘટાડો જોવા મળશે એ બાબતે તેમણે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
ખાંડનું ઉત્પાદન અંદાજ કરતાં ઓછુંઃ વર્તમાન ખાંડ મોસમમાં શેરડીના ઉત્પાદક રાજ્યોમાં અગાઉ 343 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, પરંતુ શેરડીના પાક પર રેડ રોટ અને ટોપ બોરર જેવાં રોગ થવાથી અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક પર માઠી અસર પડતાં હવે 306 લાખ ટનના ઉત્પાદનનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જોકે, ઉત્પાદન અંદાજ કરતાં ઓછું થવા છતાં આગામી ઑક્ટોબરથી શરૂ થનારી નવી મોસમ પૂર્વે દેશમાં ખાંડનો પર્યાપ્ત સ્ટોક રહેવાનો સરકાર અંદાજ મૂકી રહી છે.
સ્થાનિક બજારનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે ઑગસ્ટ મહિનાના મુક્ત વેચાણના અપેક્ષા કરતાં ઓછા ક્વૉટાની જાહેરાત સાથે જ ભાવમાં તેજીનો સંચાર જોવા મળશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હતો. જોકે, હવે સરકારે ભાવને અંકુશમાં રાખવા માટે કાચી ખાંડની ડ્યૂટી મુક્ત આયાત સહિત સ્ટોક મર્યાદાના પગલાંની કેવી અસર પડે છે તે જોવું રહ્યું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સપ્ટેમ્બર મહિનાના મુક્ત વેચાણ માટે જો ઓછો ક્વૉટા જાહેર કરવામાં આવશે તો ભાવમાં તેજી વધુ આગળ ધપી શકે છે અને જો વધુ ક્વૉટા જાહેર થાય તો ભાવ દબાણ હેઠળ પણ આવી શકે છે.
દરમિયાન રેટિંગ એજન્સી ઈક્રાના અહેવાલ અનુસાર ગત મે મહિનામાં વર્તમાન ખાંડ મોસમ 2025-26નું ઉત્પાદન આગલી મોસમના 2.96 કરોડ ટન સામે 5.03 ટકા વધીને 3.11 કરોડ ટન રહેવાનો અંદાજ મુક્યો હતો અને ઈથેનોલ માટે 31 લાખ ટન વિકેન્દ્રીત કર્યા બાદ કુલ ચોખ્ખું ઉત્પાદન 2.8 કરોડ ટનની સપાટીએ રહેવાની ધારણા મૂકી હતી. તેની સ્થાનિક 2.83 કરોડ ટનની વપરાશી માગ અને સાત લાખ ટનની નિકાસને ધ્યાનમાં લેતા મોસમના અંતે અથવા તો સપ્ટેમ્બરના અંતે સ્ટોક આગલી મોસમના 53 લાખ ટન સામે 43 લાખ ટન રહેવાની ધારણા મૂકી હતી. સ્ટોકની આ સપાટી બે મહિનાની વપરાશી માગની સમકક્ષ હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું. જોકે, અહેવાલમાં આગામી વર્ષ 2027ની મોસમમાં ખાંડના ઉત્પાદન પર અલનિનોની માઠી અસર રહેતાં ઉત્પાદન ઓછું થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.