(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 183 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક બજારમાં સપ્તાહનો અંત તેમ જ બૅન્કો પણ બંધ રહી હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજે સુસ્ત રહેતાં દેશી અને આયાતી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1495 અને સન રિફાઈન્ડના રૂ. 1755, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1530 અને સોયા રિફાઈન્ડના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ.1480 તથા થ્રી એફ ઑઈક્ષ પામ પ્રા.લિ.નાં 10મી સપ્ટેમ્બર સુધી ડિલિવરી શરતે પામોલિનના રૂ. 1480 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. તેમ જ આજે રિફાઈનરોની હાજરી પણ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે ગોંડલ મથકે 500 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં અને રાજકોટ મથકે 2000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં ટકેલા ધોરણે થયા હતા. તેમ જ ગોંડલ મથક પર વિવિધ તેલોમાં 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1640થી 1650 અને કપાસિયા રિફાઈન્ડના રૂ. 1690થી 1695ના મથાળે રહ્યા હતા.
આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1510, સોયા રિફાઈન્ડના રૂ. 1500, સન રિફાઈન્ડના રૂ. 1765, સિંગતેલના રૂ. 1750, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1700 અને સરસવના રૂ. 1780ના મથાળે સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા.