Fri Sep 11 2026

Logo

"રાહુલ ગાંધીને ટ્રેનિંગની જરૂર પડશે...": અરુણાચલની નદીમાં ડૂબકી લગાવી કેન્દ્રીય મંત્રીએ સાધ્યું નિશાન

2026-08-23 21:53:59
Author: Devayat Khatana
"રાહુલ ગાંધીને ટ્રેનિંગની જરૂર પડશે...": અરુણાચલની નદીમાં ડૂબકી લગાવી કેન્દ્રીય મંત્રીએ સાધ્યું નિશાન

ગુવાહાટી: કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ફિટનેસને લઈને ચર્ચા ચાલતી રહે છે. ત્યારે ભાજપના નેતાએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતાને અરુણાચલ પ્રદેશની ઝડપી વહેતી નદીઓમાં તરવાની તાલીમની જરૂર પડી શકે છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક અનોખો વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ અરુણાચલ પ્રદેશની એક ઊંડી અને ધસમસતી નદીમાં ડૂબકી મારીને તરતા જોવા મળી રહ્યા છે. 

આ વિડીયો શેર કરવાની સાથે તેમણે નદીમાં તરવા અંગેની કેટલીક સલાહ આપી હતી અને આડકતરી રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમનો આ સાહસિક વિડીયો અને તેની સાથે લખેલી કેપ્શન હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

વિડીયો શેર કરતા રિજિજુએ લોકોને ચેતવણી આપી હતી કે જો તમને તરતા ન આવડતું હોય તો ક્યારેય ઊંડા પાણીમાં ન જવું જોઈએ, કારણ કે ઘણા લોકો નદીમાં ડૂબી ગયાના દાખલા છે. તેમણે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશની નદીઓ ખૂબ જ વિશાળ અને ઊંડી હોય છે, તેમાં તરવું એ કોઈ સ્વિમિંગ પૂલ કે યમુના નદીમાં તરવા જેવું નથી. તેમણે તરવાની રીત સમજાવતા કહ્યું કે આવી ધસમસતી નદીઓમાં આપણું માથું ઉપર અને શરીર વધુ ટટ્ટાર રાખવું જોઈએ, ન કે સ્વિમિંગ સ્પર્ધાની જેમ સપાટ. આ સાથે જ તેમણે ગર્વથી લખ્યું હતું કે, "હું અહીંનો ખેલાડી છું."

પોતાના આ સાહસની સરખામણી રાહુલ ગાંધી સાથે કરનારાઓને પણ તેમણે જવાબ આપ્યો હતો. કટાક્ષ કરતા રિજિજુએ કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે હું રાહુલ ગાંધીની જેમ કરી રહ્યો છું, પરંતુ રાહુલ ગાંધી કદાચ આવી પ્રવૃત્તિઓ માટે ખાસ ટ્રેનિંગ લેતા હશે, જ્યારે મારા માટે આ જીવનનો એક સામાન્ય હિસ્સો છે. તેમણે ઉમેર્યું કે તેમને કોઈ તાલીમની જરૂર નથી કારણ કે બાળપણથી જ આ બધું તેમના માટે રમત સમાન છે અને તેમનું આખું જીવન સાહસથી ભરેલું રહ્યું છે.