Mon Aug 24 2026

Logo

ભૂલેશ્વરમાં ગણેશમૂર્તિ તૂટી પડતાં બેનાં મોત પાંચ જખમી

2026-08-23 22:53:12
Author: Sapna Desai
Article Image

મૃતકોને પાંચ લાખ અને જખમીઓને એક લાખની મદદની સરકારની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ભુલેશ્ર્વર વિસ્તારમાં ગણેશમૂર્તિના આગમનની શોભાયાત્રા દુ:ખદ પ્રસંગમાં ફેરવાઈ ગઈ હતી. અખિલ ભુલેશ્ર્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ‘ભુલેશ્ર્વરચા રાજા’ના આગમન દરમ્યાન શનિવારે મોડી રાતે ૨૨ ફૂટ ઊંચી ગણેશ મૂર્તિ મંડળથી માત્ર ૫૦ મીટર દૂર હતી ત્યારે તૂટી પડી હતી, જેમા મંડળના અધ્યક્ષ સહિત બે લોકોનાં મોત થયા હતા અને બે બાળક સહિત પાંચ લોકો ગંભીર રીતે જખમી થયા હતા.  ઘટના સ્થળે હાજર રહેલી પોલીસે પરિસ્થિતિને સંભાળી હતી. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે પૂરી ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. મૃતકના પરિવારને પાંચ લાખ અને જખમીઓને એક લાખ રૂપિયાની મદદની જાહેરાત કરવામા આવી હતી.

શનિવારે રાતના  અખિલ ભુલેશ્ર્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ‘ભુલેશ્ર્વરચા રાજા’ની મૂર્તિનું આગમન હતું. મંડળના કાર્યકર્તાઓએ ભાયખલામાં બકરી અડ્ડામાં આવેલા મૂર્તિકાર અનિકેત દેસાઈના કારખાનામાંથી પ્લાસ્ટર ઑફ પેરિસ (પીઓપી)ની લગભગ ૨૭ ફૂટ ઊંચી મૂર્તિ લઈને વાજતે ગાજતે નીકળ્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મંડળના પદાધિકારીઓ, કાર્યકર્તાઓની સાથે જ  ગણેશભક્તો પણ જોડાયા હતા. આ શોભાયાત્રા   રાતના  ૯.૫૧ વાગ્યાની આસપાસ મરીન લાઇન્સના ફણસ વાડીમાં જય અંબે ચોક પાસે પહોંચી હતી, ત્યારે ટ્રોલી પર રહેલી  ગણેશમૂર્તિ અચાનક તૂટીને નીચે મંડળના કાર્યકર્તા અને પદાધિકારી પર પડી હતી. અચાનક ગણેશમૂર્તિ તૂટી પડતાં સેંકડોની સંખ્યામાં જમા થયેલા ભક્તોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

ઘટના સ્થળે હાજર રહેલા પોલીસે તમામ ભક્તોને ત્યાંથી હટાવ્યા હતા અને જખમીઓને મૂર્તિ નીચેથી બહાર કાઢયા હતા, જેમાં જખમીઓને જી.ટી. હૉસ્પિટલ અને રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિલાયન્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવેલા ૩૩ વર્ષના મંડળના અધ્યક્ષ અને શિવસેનાના ઉપવિભાગ પ્રમુખ સંકેત નેવશેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.  તો જી.ટી. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ૩૦ વર્ષના બ્રિજેશ હેમંત જોશીને છાતીમાં માર લાગ્યો હોવાથી સારવાર દરમ્યાન તેનું પણ મૃત્યુ થયું હતું.  અન્ય બે જખમીની હાલત ગંભીર હોઈ તેમના પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જખમીમાં  પાંચ વર્ષની લાવણ્યા ગાનેર અને સાત વર્ષની દિવ્યા ગાનેર નામની બે બાળકીનો પણ સમાવેશ થાય છે. અન્ય જખમીઓમાં વૈભવ ઘેનંદ (૩૮), પવન ચૌરસિયા (૨૫), કુણાલ કાશીદ (૨૬)ની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કારખાનામાંથી નીકળી ત્યારે જ વિધ્ન આવ્યું
મંડળના કાર્યકર્તાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે શનિવારે સાંજે ભાયખલામાં કારખાનામાં ગણેશમૂર્તિ લેવા ગયા હતા ત્યારે જ સૌથી પહેલું વિઘ્ન આવ્યું હતું. ગણેશમૂર્તિ બહાર કાઢતા સમયે ટ્રૉલીનો રૉડ અચાનક નીકળી ગયો હતો. આ રૉડનું સમારકામ કર્યા બાદ કલાક બાદ ગણેશમૂર્તિને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ વાજતેગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મૂર્તિ જોકે અચાનક તૂટી પડવા પાછળ ટ્રૉલી જવાબદાર છે કે બીજું કોઈ કારણ એ તો તપાસ બાદ જ ખબર પડશે.                                                                                                  
મૂર્તિ શાંતિપૂર્વક મંડપમાં લાવો
આ દુ:ખદ ઘટનાને પગલે, બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ એ તમામ ગણેશ મંડળોને વિનંતી કરી છે કે જેમના આગમન સમારંભો બાકી છે તેઓએ મૃતકોની યાદમાં અને તેમના સન્માનમાં બેન્ડ, સંગીત કે ધામધૂમ વગર શાંતિથી  ગણેશમૂર્તિને તેમના મંડપમાં લાવવી. સમન્વય સમિતિના પ્રમુખ નરેશ દહીબાવકરે જણાવ્યું હતું કે આ પૂરા પ્રકરણની સમિતિ તાત્કાલિક સમીક્ષા કરશે અને આગામી આગમન અને વિસર્જનના  સરઘસ માટે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા પર ધ્યાન આપશે. 

શોભાયાત્રાના રૂટનું ઈન્સ્પેકશન કરાશે
આ દુ:ખદ ઘટના બાદ પાલિકા સમગ્ર મુંબઈમાં ગણેશ મૂર્તિના આગમન માટે ઉપયોગમાં લેવાતા માર્ગોની સ્થિતિનું નિરીક્ષણ કરશે, જેમાં રસ્તાના સમારકામ અને સલામતીના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન અને મુંબઈ ઉપનગરના  પાલક પ્રધાન  આશિષ શેલારે જણાવ્યું હતું કે પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ૨૪ કલાકમાં તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.  તમામ સંબંધિત ઍજન્સીઓને જરૂરી સલામતીનાં પગલાં સુનિશ્ર્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે કે  વહીવટી ક્ષતિઓ માટે જવાબદાર કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દુર્ઘટના બાદ જવાબદારી નક્કી કરાશે
ઉપનગરના પાલક પ્રધાને જણાવ્યું હતું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને તપાસ દ્વારા દુર્ઘટનાના તમામ પાસાઓ બહાર આવશે. એકવાર તપાસ પૂર્ણ થયા પછી અકસ્માતનું ચોક્કસ કારણ અને કોઈપણ ક્ષતિ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે.  ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે ગણેશ મંડળો, પાલિકા અને પોલીસ વચ્ચે ગાઢ સંકલનની જરૂર પડશે.