Mon Aug 24 2026

Logo

લશ્કર માટે વાહનોનું ઉત્પાદન કરતી કંપનીને નામે છેતરપિંડી: નિવૃત્ત અધિકારીની દીકરીની ધરપકડ

2026-08-23 07:26:24
Author: Yogesh C. Patel
લશ્કર માટે વાહનોનું ઉત્પાદન કરતી કંપનીને નામે છેતરપિંડી: નિવૃત્ત અધિકારીની દીકરીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
લશ્કર માટે વાહનોનું ઉત્પાદન કરતી કંપની આર્મર્ડ વેહિકલ નિગમ લિમિટેડ (એવીએનએલ)ને નામે કથિત છેતરપિંડી કરવાના કેસમાં દિંડોશી પોલીસે લશ્કરના નિવૃત્ત અધિકારીની દીકરની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરી હતી.

પકડાયેલી મહિલાની ઓળખ મોનાલીકુમારી સિંહ તરીકે થઈ હતી. મલાડ પૂર્વમાં લક્ષ્મણદાસ રહેજા માર્ગ પરની ઈમારતમાં રહેતા ફરિયાદી અજિત ચરણસિંહ યાદવ (32) સાથે 32.63 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં મોનાલીની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાના બૅન્ક ખાતામાંથી 22.64 લાખ રૂપિયા હસ્તગત કરાયા હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસ ફરિયાદ અનુસાર યાદવ રાજસ્થાનનો વતની છે અને તેના પિતા લશ્કરના જવાન હતા. રાજસ્થાનમાં યાદવના ઘરના ઉપલા માળે 2005થી 2009 સુધી મોનાલીકુમારી વડીલો સાથે ભાડેથી રહેતી હતી, જેને પગલે તેમની વચ્ચે સારીએવી ઓળખાણ હતી. તે સમયે મોનાલીના પિતા લશ્કરમાં અધિકારી હતા.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ખાનગી બૅન્કની જબલપુર શાખામાં કામ કરતી આરોપીએ એવીએનએલના અધિકારીઓ માટે ભાડા પર વાહનો આપવાની એક સ્કીમ ચાલુ હોવાની માહિતી ફરિયાદીને આપી હતી. વાહનનું ભાડું સમયસર મળતું હોવાની ખાતરી આપીને આરોપીએ એક જાહેરખબર પણ ફરિયાદીને મોકલી હતી. જોકે એ જાહેરખબર ખોટી હોવાની જાણ ફરિયાદીને બાદમાં થઈ હતી.

વાહનો ભાડે આપવા સંબંધી બોગસ દસ્તાવેજો ફરિયાદીને મોકલવામાં આવ્યા હતા. આ માટેની વિવિધ પ્રક્રિયા પેટે ફરિયાદી પાસેથી નાણાં પડાવવામાં આવ્યાં હતાં. પછી પોતાને છેતરવામાં આવ્યો હોવાની જાણ થતાં યાદવે દિંડોશી પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદને આધારે મોનાલી સહિત ત્રણ જણ વિરુદ્ધ એપ્રિલ, 2026માં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદીએ ઑનલાઈન ટ્રાન્સફર કરેલી રકમ મોનાલી બૅન્ક ખાતામાં જમા થઈ હોવાનું તપાસમાં જણાયું હતું. બૅન્ક ખાતાની વિગતો અને અન્ય પુરાવાને આધારે પોલીસે મધ્ય પ્રદેશના જબલપુરથી મહિલાની ધરપકડ કરી હતી. મહિલાને બૅન્ક દ્વારા નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.