Sat Sep 05 2026

Logo

સુરતમાં નવનિર્મિત મચ્છી માર્કેટને નવું નામ આપતા સર્જાયો વિવાદ, જાણો શું છે મામલો?

2026-08-24 19:22:30
Author: Mumbai Samachar Team
સુરતમાં નવનિર્મિત મચ્છી માર્કેટને નવું નામ આપતા સર્જાયો વિવાદ, જાણો શું છે મામલો?

સુરત: સુરત શહેરના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં નવનિર્મિત મચ્છી માર્કેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામ આપી દેતા વિવાદ સર્જાયો છે. રૂ. 3.90 કરોડના ખર્ચે નિર્મિત ફિશ માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર પર જ 'શ્રી નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ' લખેલું મોટું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. શાકાહારી જીવનશૈલી ધરાવતા વડાપ્રધાન મોદીના નામનો ઉપયોગ માછલીના વેચાણ સ્થળ માટે કરાતાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ આઘાતની લાગણી અનુભવી હતી.

વેપારીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ ફિશ માર્કેટ માટે થતાં સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમ ગેરકાયદે રીતે મુકાયેલું બોર્ડ દૂર કરવા માટે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મનપાની ટીમને કાર્યવાહી કરતી જોઈને વેપારીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને જાતે જ આ વિવાદાસ્પદ બોર્ડ ઉતારી લેવાની ખાતરી આપી હતી. 

અમે આ બોર્ડ ઉતારવા દેશું નહીં

જ્યારે સમગ્ર વિવાદ વચ્ચે સુરત ફિશ માર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમારો માટે કરોડો રૂપિયાનું અલગ મંત્રાલય બનાવ્યું છે. સુરત મનપાના ઠરાવ મુજબ જ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓએ રૂ. 43 લાખ ડિપોઝીટ ભરી છે અને 6 મહિનાનું એડવાન્સ ભાડું આપ્યું છે. ભાજપ નેતાઓના પ્રયાસથી જ આ માર્કેટ બન્યું છે. અમે આ બોર્ડ ઉતારવા દેશું નહીં.

સ્થાનિક રાજકારણ ગરમાયું 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ જાહેર મિલકત, માર્કેટ કે બ્રિજનું નામકરણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સાંસ્કૃતિક સમિતિ અને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો અનિવાર્ય હોય છે. પરંતુ 'નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ'નું નામકરણ સુરત મહાનગરપાલિકાના તંત્ર કે શાસક પક્ષની જાણ બહાર જ કરી દેવામાં આવ્યું છે, વળી તેનું બોર્ડ પણ લગાવી દેવાતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.  હવે મનપા દ્વારા આ સમગ્ર વિવાદ અંગે સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવે કે આ નામ માટે કોઈ ઠરાવ કે મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની રાહ જોવાઈ રહી છે.