(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં કાર્ટર રોડ પર કમર્શિયલ ધોરણે હૉર્ડિંગ્સ લગાડવા સામે બાન્દ્રાના સ્થાનિક નાગરિકોએ ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિકોના કહેવા મુજબ કાર્ટર રોડ પરના પ્રોમોનેડ પર હૉર્ડિૅંગ્સ લગાવવાથી પર્યાવરણીય નુકસાન થવાની સાથે જ સૌંદર્યને પણ નુકસાન થઈ શકે છે. સ્થાનિકોના વિરોધને પગલે કાર્ટર રોડ પર જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ હેઠળ હોર્ડિંગ્સ લગાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
સોમવારે મુંબઈ મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલમાં મુંબઈમાં જુદાં જુદાં સ્થળોએ આવેલા પ્રોમોનેડ્સના પટ્ટા જુદી જુદી સરકારી ઓથોરિટી હેઠળ વહેંચાયેલા છે. મુંબઈમાં વરલી પ્રોમેનેડ, મરીન ડ્રાઇવ, રિક્લેમેશન પ્રોમેનેડ, કાર્ટર રોડ અથવા બેન્ડસ્ટેન્ડ સહિત વિવિધ પ્રોમેનેડની જવાબદારી મુંબઈ મહાનગરપાલિકા, એમએસઆરડીસી અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ સહિત વિવિધ એજન્સીઓની છે.
સોમવારે યોજાયેલી બેઠકમાં ઉપનગરના પાલક પ્રધાને પાલિકાને આ પ્રોમેનેડ માટે યુનિફોર્મ સર્વાંગી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેજર (એસઓપી) તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો. સાથે જ આ એસઓપીમાં નાગરિકો તરફથી મળેલાં સૂચનો અને વાંધાઓને સમાવેશ કરીને તમામ પ્રોમેનેડ માટે સમાન નિયમો અને ધોરણો સ્થાપિત કરવાની સૂચના પણ આ બેઠક દરમ્યાન તેમણે આપી હતી.
સ્થાનિક રહેવાસીઓએ પ્રોમેનેડના કમર્શિયલ વપરાશ સામે ચિંતા વ્યક્ત કર્યા બાદ પાલક પ્રધાને આ બાબતની તપાસ હાથ ધરી હતી હૉર્ડિંગ્સ લગાવવા દરમ્યાન પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન થઈ શકે છે એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. પાલક પ્રધાને જણાવ્યું હતું કે આ જગ્યાઓ પર વ્યાપારી પ્રવૃત્તિઓ થવી જોઈએ નહીં અને પર્યાવરણના ભોગે આ વિસ્તારના સૌંદર્યીકરણ પણ કરવું ન જોઈએ.
અધિકારીઓને તેમણે એસઓપી તૈયાર કરતી વખતે અને જરૂરી નિયમો અને નિયમનો બનાવતી વખતે નાગરિકો પાસેથી સૂચનો અને વાંધા લેવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ જ ત્યાં સુધી કાર્ટર રોડ પર હોર્ડિંગ્સ લગાવવા માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરને મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.