મુંબઈ: રેલવેમાં મુસાફરોને આપવામાં આવતી ચાદરોને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ત્રણ લોકો રસ્તા કિનારે આવેલી દુકાનની બહાર રેલવેની ચાદર ઓઢીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ચાદર પર સ્પષ્ટ રીતે ‘વેસ્ટર્ન રેલવે’ લખેલું હોવાથી આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
21 સેકન્ડના આ વીડિયોમાં ત્રણેય લોકો દુકાનની બહાર ઊભા રહીને ચિપ્સ અને અન્ય સામાન ખરીદતા જોવા મળે છે. તેમના શરીર પર રહેલી સફેદ ચાદર પર વાદળી અક્ષરોમાં ‘વેસ્ટર્ન રેલવે’ લખેલું છે અને તેના પર તારીખ પણ છપાયેલી જોવા મળે છે. આ વીડિયો 22 ઓગસ્ટે એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.
વીડિયો વાયરલ થયા બાદ તેને ‘જેમ્સ ઓફ રેલવેઝ’ નામના એક્સ એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યો હતો. વીડિયો પર અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. લોકોનું ધ્યાન ત્રણેય વ્યક્તિઓના હાથમાં રહેલા સામાન કરતાં તેમના શરીર પર ઓઢેલી રેલવેની ચાદર તરફ વધુ ગયું છે.
Three men spotted in a market openly wearing Indian Railways bedsheets as shawls.
— Gems Of Railway (@GemsOfRailway) August 22, 2026
The white linen clearly bears the “WESTERN RAILWAY” marking. these bedsheets were stolen from a Western Railway train.
According to RTI data compiled across railway divisions, from January 2022 to… pic.twitter.com/IsEKca87v8
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે રેલવે પ્રશાસન સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. રેલવેની ચાદર બહાર કેવી રીતે પહોંચી, તેને કોઈએ આપી કે વેચી અને શું રેલવે કર્મચારીઓની મદદથી આ સામાન બહાર ગયો છે, તે અંગે તપાસની માગણી કરવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સે જાહેર સંપત્તિના દુરુપયોગ બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
રેલવેની ચાદરોને લઈને અગાઉ પણ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો. એક વૃદ્ધ વ્યક્તિએ રેલવેની સફેદ ચાદર જેવા કાપડમાંથી બનાવેલો કુર્તો પહેર્યો હોવાનો વીડિયો પણ ચર્ચામાં આવ્યો હતો. જોકે, હાલ વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી ચાદરો રેલવેની વ્યવસ્થામાંથી બહાર કેવી રીતે આવી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.