Mon Oct 05 2026

Logo

174 જીવ બચાવનાર પાયલટ સ્મિત મચ્છર વિશે દુનિયાએ શું શોધ્યું? હેલ્થ અપડેટથી લઈને 'જાતિ' સર્ચ કરવાનો વાયરલ ટ્રેન્ડ

2026-10-03 18:08:00
Author: Darshana Visaria
174 જીવ બચાવનાર પાયલટ સ્મિત મચ્છર વિશે દુનિયાએ શું શોધ્યું? હેલ્થ અપડેટથી લઈને 'જાતિ' સર્ચ કરવાનો વાયરલ ટ્રેન્ડ

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં 175 મુસાફરો અને ક્રૂ સભ્યોનો જીવ બચાવીને વૈશ્વિક સ્તરે હીરો બનેલા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર (Captain Smit Machchhar)ની બહાદુરી બાદ ઇન્ટરનેટ જગતમાં અભૂતપૂર્વ હલચલ જોવા મળી છે. 30મી સપ્ટેમ્બરથી ગૂગલ પર તેમના વિશેની માહિતી શોધવામાં મોટો ઉછાળો આવ્યો હતો, જે બીજી ઓક્ટોબરના રોજ સવારે 9.30 વાગ્યે સર્વોચ્ચ 100ના પીક સ્કોર પર પહોંચી ગયો હતો.

ગૂગલ ટ્રેન્ડ્સમાં 100નો સ્કોર કોઈ ચોક્કસ સંખ્યા દર્શાવતો નથી, પરંતુ તે ચોક્કસ વિષય પ્રત્યે લોકોના રસ અને લોકપ્રિયતાનું ચરમસીમાનું સ્તર દર્શાવે છે. આ ડેટા વિશ્લેષણમાં લોકોની તેમના સ્વાસ્થ્ય પ્રત્યેની ચિંતા સાથે-સાથે તેમની જાતિ અને સામાજિક પૃષ્ઠભૂમિ શોધવાની માનસિકતા પણ સામે આવી છે.

સ્મિત મચ્છર વિશે સૌથી વધુ રસ ધરાવતા દેશો:
વિમાન દુબઈનું હતું, કો-પાયલોટ ઓમાની હતો, ઈમરજન્સી લેન્ડિંગ સાઉદી અરેબિયામાં થયું અને ગંતવ્ય તેલ અવીવ (ઈઝરાયલ) હોવાથી ભારત ઉપરાંત ગલ્ફ દેશોમાં પણ સર્ચ ટ્રેન્ડ્સ ખૂબ ઊંચા રહ્યા હતા. જોકે, સરપ્રાઈઝિંગ વાત તો એ છે કે ભારત 100ના કમ્પ્લિટ સ્કોર સાથે સમગ્ર વિશ્વમાં મોખરે રહ્યું.
ગલ્ફ અને એશિયન દેશો: સંયુક્ત આરબ અમીરાત (UAE) 84ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યું. આ ઉપરાંત કતાર (37), કુવૈત (28), ઓમાન (27), નેપાળ (20) અને ઇઝરાયેલ (17)માં પણ લોકોએ ઉત્સુકતા દર્શાવી હતી.
પશ્ચિમી દેશો: કેનેડા (16), સિંગાપોર (16) અને ન્યૂઝીલેન્ડ (14) જેવા દેશોમાં પણ કેપ્ટન સ્મિતની બહાદુરી વિશે મોટા પાયે માહિતી શોધવામાં આવી હતી.

ભારતમાં પ્રાઇમ-ટાઇમ અને 'હેલ્થ અપડેટ'નું સર્ચ:
ભારતમાં આ સમાચાર વાયરલ થતાં જ પહેલી ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે સર્ચિંગ ટોચ પર પહોંચ્યું હતું, જ્યારે ટીવી ન્યૂઝ બુલેટિન્સમાં આ ઘટના પ્રસારિત થઈ રહી હતી. દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં સૌથી વધુ રસ જોવા મળ્યો હતો. જીવલેણ હુમલા બાદ લોકો કેપ્ટનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચિંતિત હતા અને ગૂગલ પર સતત સર્ચ કરી રહ્યા હતા કે "શું સ્મિત મચ્છર જીવિત છે?" (Is Smit Machchhar alive?)

હીરો બન્યા બાદ લોકોએ શોધી 'જાતિ':
ગૂગલ ટ્રેન્ડ્સના ડેટામાં માનવ સ્વભાવનું વધુ એક પાસું પણ છતું થયું. ભારતીય સમાજમાં જ્યારે પણ કોઈ વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરે છે, ત્યારે લોકો તેની સામાજિક પૃષ્ઠભૂમિ જાણવા અધીરા બને છે. આ ઘટનામાં પણ machchhar caste અને smit machchhar caste જેવા કીવર્ડ્સ મોટા પાયે સર્ચ થયા હતા.

કેપ્ટન સ્મિત મૂળ ગુજરાતના હોવાથી અને 'મચ્છર' અટક વિશિષ્ટ હોવાના કારણે જાતિ શોધવામાં ગુજરાત 100ના સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ (90), દિલ્હી (88), હરિયાણા (76), કર્ણાટક (70), ઉત્તરાખંડ (70), મહારાષ્ટ્ર (63), રાજસ્થાન (54), બિહાર (52) અને મધ્ય પ્રદેશ (51) જેવા રાજ્યોમાં પણ આ વિષયે ખાસ્સો રસ જગાવ્યો હતો.

આ સમગ્ર ડેટા દર્શાવે છે કે એક તરફ સમાજ પોતાના જાંબાઝ રક્ષકના જીવન અને સ્વાસ્થ્ય માટે હૃદયપૂર્વક ચિંતિત હતો અને પ્રાર્થના કરી રહ્યો હતો, તો બીજી તરફ તે 'હીરો' કયા સમાજ કે જ્ઞાતિમાંથી આવે છે તે જાણવા માટે પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.