Tue Oct 06 2026

Logo

ભૂમિ ત્રિવેદી લાવશે ભારતનું પ્રથમ AI ગરબા સોન્ગ! બોરીવલીના 'રંગ રાસ 2026'માં મચાવશે ધૂમ

2026-10-03 19:10:13
Author: Darshana Visaria
ભૂમિ ત્રિવેદી લાવશે ભારતનું પ્રથમ AI ગરબા સોન્ગ! બોરીવલીના 'રંગ રાસ 2026'માં મચાવશે ધૂમ

મુંબઈમાં આસો નવરાત્રિ પર્વનો ઉત્સાહ આ વખતે નવી ડિજિટલ ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ અને ગુજરાતી સંગીત જગતની જાણીતી સિંગર ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi) મુંબઈના બોરીવલી વેસ્ટ ખાતે યોજાનાર ભવ્ય 'રંગ રાસ નવરાત્રી ૨૦૨૬' (Rang Raas Navratri 2026) ની પાંચમી આવૃત્તિમાં ખેલૈયાઓને પોતાના તાલે ઝૂમાવશે.

આ વર્ષની સૌથી મોટી વિશેષતા એ છે કે ભૂમિ ત્રિવેદી આ મંચ પરથી ભારતનો સૌપ્રથમ AI-સંચાલિત (AI-Powered) નવરાત્રિ મ્યુઝિક વીડિયો રજૂ કરશે. પરંપરાગત ગરબાની ઊર્જા અને આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના આ અનોખા સંગમથી ખેલૈયાઓ અને સંગીતપ્રેમીઓને એક નવો જ દ્રશ્ય-શ્રાવ્ય અનુભવ મળશે.

ભારતનું પ્રથમ AI ગરબા ગીત: પરંપરા અને ટેકનોલોજીનો સંગમ:

ભૂમિ ત્રિવેદીનું આ બહુપ્રતિક્ષિત ગીત તેમની ઓફિશિયલ યુટ્યુબ (YouTube) ચેનલ પર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં ભૂમિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું ભારતનો સૌપ્રથમ નવરાત્રિ AI મ્યુઝિક વીડિયો રજૂ કરવા તેમજ 'રંગ રાસ નવરાત્રી'ના વિશાળ મંચ પર તેના પર લાઈવ પર્ફોર્મ કરવા માટે અત્યંત રોમાંચિત છું. આ ગીત માટીની સુગંધ ધરાવતા પરંપરાગત ગરબાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને યુવા પેઢી સુધી પહોંચાડશે.

ક્યારે અને ક્યાં યોજાશે 'રંગ રાસ નવરાત્રિ 2026'?

વાત કરીએ રાસ રંગ નવરાત્રિ ક્યાં અને કઈ તારીખે યોજાશે એની તો 11મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર, 2026 સુધી સતત 9 દિવસ સુધી બાળાસાહેબ ઠાકરે મનોરંજન ઉદ્યાન (Balasaheb Thackeray Ground), ચીકુવાડી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ ખાતે યોજાશે. 

આ ભવ્ય મહોત્સવનું આયોજન વિધાન પરિષદના સભ્ય (MLC) પ્રવીણ દરેકર અને 'હાઈટેક ઈવેન્ટ્સ' દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે 'મહાવીર કન્સ્ટ્રક્શન્સ'ના સ્થાપક પિનાકિન શાહ અને 'સુરભિ કન્સ્ટ્રક્શન્સ'ના સ્થાપક મિતેશ શાહ મુખ્ય પ્રાયોજક તરીકે જોડાયા છે.

પત્રકાર પરિષદમાં દિગ્ગજોની ઉપસ્થિતિ:

બોરીવલી (વેસ્ટ) સ્થિત ચીકુવાડીની 'વિટી ઇન્ટરનેશનલ' ખાતે આયોજિત ભવ્ય પ્રેસ કોન્ફરન્સમાં આ આયોજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે MLC પ્રવીણ દરેકર, પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી અને ધારાસભ્ય સંજય ઉપાધ્યાય સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મુંબઈના ગરબા રસિકોને સુરક્ષિત અને ભવ્ય વાતાવરણ પૂરું પાડવાની ખાતરી આપી હતી.