મુંબઈ: અખિલ ભૂલેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ‘ભૂલેશ્વરચા રાજા’ની 22 ફૂટ ઊંચી ગણેશમૂર્તિ પડતાં બેનાં મોત થયાની ઘટના તાજી છે ત્યારે દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં રવિવારે રાતે ગણેશમૂર્તિના આગમનની શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ ઇંડાં ફેંકતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધા બાદ આખા વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આ પ્રકરણે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.
મઝગાંવમાં બનેલી આ ઘટનાને પગલે ભાયખલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી બદઇરાદાપૂર્વકનું કૃત્ય) અને 196 (અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી) હેઠળ એફઆઇઆર દાખલ કરાયો હતો.
‘મઝગાંવચા મોરયા ગણેશોત્સવ મંડળ’ના કાર્યકર્તાઓ-પદાધિકારીઓ કારખાનામાંથી ગણેશમૂર્તિ લઇને રવિવારે વાજતે ગાજતે નીકળ્યા હતા. ભવ્ય શોભાયાત્રા રાતના મઝગાંવમાં મંડપથી થોડે દૂર હતી ત્યારે ત્યાંની કોન્ટિનેન્ટલ હાઇટ્સ ઇમારતના ઉપરના માળેથી શોભાયાત્રા પર ઇંડાં ફેંકવામાં આવ્યાં હતા, જેમાંથી એક ઇંડું મૂર્તિ પર પડ્યું હતું, જેને કારણે શોભાયાત્રામાં હાજર ભાવિકોમાં રોષ ફેલાયો હતો અને તેઓ ઉપરોક્ત ઇમારતની બહાર એકઠા થઇ ગયા હતા.
Mazgaon Morya : माझगाव गणपती मिरवणुकीत नेमकं काय घडलं? हितेश जाधवांनी सांगितलं#Mazgaon #GanpatiMiravnuk #GanpatiArrival #MumbaiNews #HiteshJadhav #GanpatiFestival #MaharashtraNews #MarathiNews #BreakingNews pic.twitter.com/4PhUDL8Tsc
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) August 24, 2026
દરમિયાન આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને આ કૃત્ય માટે જવાબદાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત મીનાએ ઘટનાસ્થળે પહોંચીને હસ્તક્ષેપ કર્યો હતો અને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી.
ઘટના બાદ મંડળના પદાધિકારીએ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભાયખલા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. શોભાયાત્રા પર ઇંડાં કોણે ફેંક્યા તે જાણવા માટે ઘટનાસ્થળ તેમ જ આસપાસની ઇમારતના સીસીવીટી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
નિતેશ રાણેએ દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી
મઝગાંવમાં ગણપતિ આગમન શોભાયાત્રા દરમિયાન ઇંડું ફેંકવાની ઘટનાને લઈને ભાજપના નેતા નિતેશ રાણેએ આક્રમક પ્રતિક્રિયા આપી હતી. તેમણે ગણેશોત્સવના સરઘસમાં આ પ્રકારની હરકતને ગંભીર ગણાવીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
નિતેશ રાણેએ કહ્યું કે હિંદુ તહેવારોમાં આ પ્રકારના અવરોધો સહન કરવામાં આવશે નહીં. તેમણે પોલીસ દ્વારા અજાણ્યા લોકો સામે ગુનો નોંધાયો છે. ત્યાર બાદ તેમણે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે. ઇંડા કોણે ફેંક્યા અને આ કૃત્ય પાછળનો હેતુ શું હતો તે બહાર લાવી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, તેમ તેમણે જણાવ્યું.