મુંબઈ: રાયગડ જિલ્લાના દિવેઆગર બીચ પર આઠ વિદ્યાર્થીના સમુદ્રમાં ડૂબવાથી મોત થયાના બીજા દિવસે શુક્રવારે પુણે જિલ્લાના આળંદી મ્યુનિસિપલ કાઉન્સિલે ખાનગી કોચિંગ ક્લાસીસના પરિસરને સીલ કર્યું હતું. આ ક્લાસીસ ફરજિયાત ‘નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ’ વિના ચલાવવામાં આવી રહ્યા હતા.આળંદીમાં વિનર્સ એકેડમીના 42 વિદ્યાર્થીઓ છ શિક્ષક સાથે ગુરુવારે પિકનિક પર દિવેઆગર બીચ ખાતે આવ્યા હતા, જ્યાં 16 વર્ષની વયના આઠ વિદ્યાર્થી પાણીમાં ગયા હતા અને ડૂબવાથી તેમનાં મોત થયાં હતાં.
વિદ્યાર્થીઓના મૃત્યુથી આળંદીમાં શોકની લાગણી ફેલાઇ હતી અને શુક્રવારે ત્યાં બંધ પાળવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના મૃતદેહોને શુક્રવારે સવારે આળંદી લાવવામાં આવ્યા હતા, જ્યાં શોકગ્રસ્ત પરિવારજનો, સંબંધીઓ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કૌસ્તુભ દૌંડ અને યશ વાનખેડે નામના બે વિદ્યાર્થીના મૃતદેહને બાદમાં અમરાવતી અને અહિલ્યાનગર જિલ્લામાં લઇ જવાયા હતા.
દિવેઆગરની ઘટનાના બીજા દિવસે આળંદી મ્યુનિસિપલ કાઉન્સિલે આદેશ જારી કર્યો હતો કે વિનર્સ એકેડમી કોચિંગ ક્લાસીસ જે મિલકત પર ચલાવવામાં આવી રહ્યા હતા તેના માટે પાલિકા પાસેથી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટેનું ફરજિયાત નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ/લાઇસન્સ મેળવવામાં આવ્યું નહોતું.રેકોર્ડસની ચકાસણી કરાતાં એવું જાણવા મળ્યું છે કે વિનર્સ એકેડમી મારફત વ્યવસાય શરૂ કરવા માટે મ્યુનિસિપલ કાઉન્સિલ પાસેથી મેળવવામાં આવ્યું નહોતું. પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે આ એકેડમી જરૂરી પરવાનગી વિના ચાલી રહી હતી.
આથી મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કાઉન્સિલ, નગર પંચાયત અને ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ એક્ટ, 1965 અને અન્ય લાગુ પડતા કાયદાઓ અનુસાર જરૂરી કાર્યવાહી કરીને વિનર્સ એકેડમીના નામે ચાલતી ઉપરોક્ત મિલકતને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.કાઉન્સિલે અધિકારીઓને પંચનામું કરવા, ફોટોગ્રાફ્સ લેવા અને જરૂરી દસ્તાવેજો સાથે અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. (પીટીઆઇ)