થાણે: થાણેમાં શિવસેના (યુબીટી)ના વિભાગ પ્રમુખ પ્રદીપ પુર્ણેકરની ગોળી મારી હત્યા કરવામાં કથિત રીતે સંડોવાયેલા શૂટર અને તેના સાથીને પોલીસે રાયગડથી પકડી પાડ્યા હતા.
મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે શૂટર નિખિલ યાદવ અને તેના સાથી નીતેશ પવારને રાયગડ જિલ્લાના પેણ નજીકથી તાબામાં લીધા હતા. બન્નેને પકડી પાડવા પોલીસે શુક્રવારની વહેલી સવારે ઑપરેશન હાથ ધર્યું હતું.
ઘોડબંદર રોડ પર આવેલા પક્ષ કાર્યાલય બહાર મંગળવારની રાતે પુર્ણેકર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર પછી હુમલાખોરો બાઈક પર ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પુર્ણેકરને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.ઘટનાને પગલે થાણેમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો. બુધવારે પોસ્ટમોર્ટમ બાદ પુર્ણેકરના મૃતદેહ સાથે શિવસેના (યુબીટી)ના કાર્યકરો મોટી સંખ્યામાં કાપૂરબાવડી પોલીસ સ્ટેશન બહાર જમા થયા હતા. પુર્ણેકરના પરિવારના સભ્યો સાથે નેતાઓ આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
Thane मधील गोळीबार ठाकरे सेनेच्या विभाग प्रमुखाला संपवलं | Thane Crime News | Thackeray Group | Pradeep Purnekar Death#PradeepPurnekar #ShivSenaUBT #MurderCase #PuneCrime #MaharashtraNews #CrimeNews #PuneNews #MarathiNews #MumbaiSamacharMarathi #BreakingNews pic.twitter.com/Hqs91qai8R
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 30, 2026
પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસ બાદ પોલીસે અગાઉ પુર્ણેકરના ભૂતપૂર્વ સાથી પપ્યા શિંદેની ધરપકડ કરી હતી. પોલીસ ફરાર સંતોષ કનોજિયા ઉર્ફે ટલ્લી અને અન્ય અજાણ્યા શખસ વિશે માહિતી મેળવી રહી છે.ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટેક્નિકલ બાબતોનો સતત અભ્યાસ અને ખબરીઓની માહિતીને આધારે યાદવ અને પવારને શોધી કાઢવામાં આવ્યા હતા. બન્ને આરોપીના પકડાવાથી પોલીસને હત્યાની યોજના અને તેને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની માહિતી મળી શકશે.
ફરાર બે આરોપીને પકડી પાડવા પોલીસની ટીમે રાયગડ, થાણે અને આસપાસના જિલ્લાઓમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થઈ શકશે. એ સિવાય ગુનામાં વપરાયેલા શસ્ત્રની પણ માહિતી મળશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)