Mon Oct 05 2026

Logo

જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી: મુખ્ય પ્રધાને કેનેડામાં સાધ્યો ગુજરાતીઓ સાથે સંવાદ

2026-08-24 18:33:19
Author: Pooja Shah
જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી: મુખ્ય પ્રધાને કેનેડામાં સાધ્યો ગુજરાતીઓ સાથે સંવાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ અમેરિકાની મુલાકાત બાદ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિમંડળ રવિવારે કેનેડા પહોંચ્યું હતું. ટોરેન્ટો એરપોર્ટ પહોંચેલા ભૂપેન્દ્ર પટેલનું પરંપરાગત સ્વાગત ગુજરાતી સમુદાયોના અગ્રણીઓ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા થયું હતું. 

મુખ્ય પ્રધાને સત્કાર સમારોહમાં ગુજરાતી સમુદાયો સાથે સંવાદ કરતા ગુજરાતની ભૂતકાળની સ્થિતિ અને હાલ દેશના ગ્રોથ એન્જિન તરીકેની ઓળખ બન્નેની વિષદ છણાવટ કરતાં કહ્યું હતું કે, 1960માં મહારાષ્ટ્રથી અલગ રાજ્ય તરીકે ગુજરાત જુદું પડ્યું ત્યારે રોડ-રસ્તા, ગામડાઓમાં વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ પણ પૂરતી ન હતી.



વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાત એ પરિસ્થિતિમાંથી બહાર આવીને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવતા તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં મોટા લક્ષ્યો સાથે વિકાસનો જે વિચાર આપ્યો છે તેના જ પરિણામે આજે આખા ગુજરાતનું ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે થઈ શક્યું છે. 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૌરવભેર જણાવ્યું હતું છે કે, જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે. તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસની ભૂમિકા ફેડરેશન ઓફ ગુજરાત-કેનેડાના પરિવારો સમક્ષ આપતા કહ્યું કે, ગુજરાત એટલે વિકાસ આ બેય શબ્દો પર્યાય બની ગયા છે. ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયા છે. એટલું જ નહીં, વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવતું થયું છે. તેમણે કેનેડાના અર્થતંત્રમાં મળી રહેલા ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કેનેડાના ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા ગુજરાતમાં પણ રોકાણો માટે આવવું જોઈએ.  આ સંદર્ભમાં મુખ્ય પ્રધાને આગામી વાયબ્રન્ટ સમિટ 2027માં કેનેડાના ગુજરાતી સમુદાયોને જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.