(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ સરકાર દ્વારા ખાંડની સંગ્રહખોરી ડામવા માટે રાજ્યના વિવિધ વેપારીઓ પર પાડવામાં આવી રહેલા દરોડાઓ અને ખાંડ મિલો પર વાસ્તવિક સ્ટોકની ચકાસણીઓ થઈ રહી હોવાથી ગત ગુરુવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્મોલ ગે્રડની ખાંડના ટેન્ડરોમાં ભાવ જે ક્વિન્ટલે રૂ. 6500 સુધી પહોંચી ગયા હતા તે ગત શનિવારે અંદાજે 10 ટકાના ઘટાડા સાથે ક્વિન્ટલે રૂ. 5850 આસપાસની સપાટીએ રહ્યા હતા. આમ મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે હાજરમાં ભાવઘટાડો આગળ ધપતાં ક્વિન્ટલે રૂ. 272થી 398 ઘટી આવ્યા હતા, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ક્વિન્ટલે રૂ. 330થી 400નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની પ્રબળ માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હોવા છતાં મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 398 અને ઉપલા મથાળેથી રૂ. 388 ઘટીને રૂ. 5802થી 5992માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ.272થી 301ના ઘટાડા સાથે રૂ. 5980થી 6221માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની ખપપૂરતી માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 350 એ ઉપલા મથાળેથી રૂ. 330ના ઘટાડા સાથે રૂ. 5650થી 5700માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 400 અને ઉપલા મથાળેથી રૂ. 350ના ઘટાડા સાથે રૂ. 5750થી 5850માં થયાના અહેવાલ હતા.