મુંબઈઃ અમરાવતીની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં ત્રણ નવજાત શિશુઓના મૃત્યુને પગલે મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ સર્જાયો છે. વિપક્ષે સુરક્ષામાં ખામી અને કથિત બેદરકારી બદલ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષી નેતાઓએ દાવો કર્યો હતો કે આ મૃત્યુ વેન્ટિલેટરના વિસ્ફોટને કારણે થયા હતા.
જોકે મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય પ્રધાન પ્રકાશરાવ અબિતકરે હોસ્પિટલ વહીવટીતંત્રના પગલાંનો બચાવ કરતા, આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે તબીબી સ્ટાફે નવજાત શિશુઓને બચાવવા માટે કોઈ કસર છોડી નહોતી. પરંતુ કમનસીબે તેઓ સફળ થઈ શક્યા નહીં, તેમ અબિતકરે પત્રકારોને જણાવ્યું હતું.
વિપક્ષે સરકારની ટીકા કરતા, ઉચ્ચ-સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી અને મહારાષ્ટ્રની તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં અગ્નિ સુરક્ષા અને તબીબી સાધનોની સુરક્ષા અંગે તાત્કાલિક ઓડિટ કરવાની માંગણી કરી હતી. વિપક્ષે સરકારી આરોગ્ય સેવા પ્રણાલીની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.
તેમણે આક્ષેપ કર્યો કે સરકાર આરોગ્યસંભાળના માળખાગત સુવિધાઓ અને સુરક્ષા પર પૂરતું ધ્યાન આપવામાં નિષ્ફળ રહી છે, અને સાથે જ તેમણે હોસ્પિટલમાં ડોક્ટરો તથા અન્ય સુવિધાઓની ઉપલબ્ધતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. વિપક્ષે માત્ર તપાસ કરવાને બદલે જવાબદારી નક્કી કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
સત્તાધારી ભાજપના સાથી પક્ષના નેતા અને અમરાવતીના ધારાસભ્ય રવિ રાણાએ પણ ત્રણ વર્ષ પહેલાં હોસ્પિટલમાં આવી જ આગ લાગવાની ઘટનાને યાદ કરીને સવાલ કર્યો હતો કે હોસ્પિટલને નવી ઈમારતમાં ખસેડવામાં આવી હોવા છતાં આવી દુર્ઘટના ફરી કેવી રીતે બની. તેમણે તબીબો, સ્ટાફ અને તંત્રની બેદરકારીનો આક્ષેપ કરતા કહ્યું કે જવાબદારી નક્કી કરવા માટે તપાસ જરૂરી છે. હોસ્પિટલના સંચાલનની જવાબદારી જેમના પર છે, તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.