બીડ: બીડ જિલ્લાના પોહનેર ગામમાં ટ્રક ડ્રાઈવરે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા નજીક અનાદરભર્યું કૃત્ય કરતાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.આ ઘટનાથી સ્થાનિકો અને સમર્થકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સોમવારે મોટી સંખ્યામાં લોકો સિરસાળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક રહેવાસી મોહન રમેશ કાળેએ આ પ્રકરણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર ઘટના રવિવારની રાતે 10 વાગ્યાની આસપાસ બની હતી.કાળે મિત્રો સાથે છત્રપતિ શિવાજી મહારાજ ચોક નજીક બેઠો હતો ત્યારે એક ટ્રક ત્યાં આવી હતી. સિરસાળા રોડ પાસે ટ્રક પાર્ક કરી ડ્રાઈવર નીચે ઊતર્યો હતો. પછી પ્રતીમાની પાછળની બાઉન્ડરી વૉલ પર કથિત રીતે લઘુશંકા કરી હતી.
કાળેની ફરિયાદને આધારે સિરસાળા પોલીસે સોમવારે અજાણ્યા શખસ વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો. સબ-ઈન્સ્પેક્ટર સંજયકુમાર રાઠોડ આ મામલે તપાસ કરી રહ્યા છે.દરમિયાન આ ઘટનાને પગલે પોહનેરમાં વાતાવરણ તંગ બની ગયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. (પીટીઆઈ)
પ્રતીકાત્મક તસવીર