Mon Sep 07 2026

Logo

રાજ્યના પ્રધાન વિરુદ્ધ ‘વાંધાજનક’ ટિપ્પણી: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

2026-09-03 19:03:24
Author: Yogesh C. Patel
રાજ્યના પ્રધાન વિરુદ્ધ ‘વાંધાજનક’ ટિપ્પણી: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ

પુણે: રાજ્યના પ્રધાન વિરુદ્ધ યુટ્યૂબ પર કથિત બીભત્સ અને બદનક્ષીભરી સામગ્રી પોસ્ટ કરવા બદલ પોલીસે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની તેના પુણે સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી.

ફરિયાદ અનુસાર પુણેના રહેવાસી અને સોશિયલ મીડિયા ક્ધટેન્ટ ક્રિયેટર સંતોષ પંડિતે (45) રાજ્યના ઉચ્ચ અને તકનિકી શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને એક મહિલા જનપ્રતિનિધિ સંબંધી વીડિયો સાથે બીભત્સ ટિપ્પણી પોસ્ટ કરી હતી. આ પ્રકરણે કોથરુડ પોલીસે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(1)(4), 75(3), 356(2) અને 352 તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર સાગર કવડેએ પંડિત વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું.

વાંધાજનક સામગ્રી પંડિતના યુટ્યૂબ એકાઉન્ટ પરથી સર્ક્યુલેટ કરાઈ હતી, જેને લાખો લોકોએ જોઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે બીજા વીડિયોમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સંબંધિત વાંધાજનક અને બીભત્સ ટિપ્પણી કરી હતી. આવી જ ફરિયાદ અગાઉ પણ પંડિત વિરુદ્ધ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં થઈ હતી. તેની સામે આ બીજો કેસ હોવાનું પોલીસનું કહેવું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)