પુણે: પુણેમાં તહેવારો દરમિયાન હાઇ-ડેસિબલ ડીજે સિસ્ટમ અને લાઉડસ્પીકરના ઉપયોગ સામે વિરોધ કરનારા કાર્યકર્તા વિદ્યાનંદ બાપટ પર ગુરુવારે જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને કથિત હુમલાખોર સંતોષ ચવાણને બાદમાં તાબામાં લેવાયો હતો.
શહેરના તિલક રોડ વિસ્તારમાં બાપટ કેટલાક મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયોમાં બાપટ મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ તેના પર હુમલો કરતો નજરે પડે છે. હુમલા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બાપટને પોલીસ વૅનમાં લઇ ગયા હતા.
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે એ વ્યક્તિ (હુમલાખોર)ને અમે તાબામાં લીધો છે અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
લાઉડસ્પીકરના ઉપયોગ સામે બાપટનું વલણ રાજ્યવ્યાપી ચર્ચાનો વિષય બની ગયું છે, જેના કારણે લોકોના સમર્થનની શક્તિશાળી લહેર ઊઠી છે, જે ધીમે ધીમે સંગઠિત નાગરિક ચળવળમાં ફેરવાઇ રહી હોય તેવું લાગે છે.
બાપટ આગામી ગણેશોત્સવ સહિત તહેવારો દરમિયાન મોટા અવાજવાળું મ્યુઝિક અને ડીજે સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે. ગણેશોત્સવની તૈયારી માટેની પુણે પાલિકાની યોજાયેલી બેઠકમાં હાજરી આપ્યા બાદ બાપટ ચર્ચામાં આવ્યો હતો. (પીટીઆઇ)