Fri Sep 04 2026

Logo

મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં હવે પીરસાશે પૌષ્ટિક ભોજન: બાજરીની ખીચડી અને ફણગાવેલા કઠોળ મેનૂમાં સામેલ

2026-09-03 20:46:02
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં હવે પીરસાશે પૌષ્ટિક ભોજન: બાજરીની ખીચડી અને ફણગાવેલા કઠોળ મેનૂમાં સામેલ

મુંબઈઃ મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર રાજ્યની સરકારી કેન્ટીનો તેમ જ સત્તાવાર બેઠકો અને કાર્યક્રમોમાં પૌષ્ટિક ખાદ્યપદાર્થો અને પીણાં ઉપલબ્ધ કરાવવા પડશે. વધુ પ્રક્રિયા કરેલા ખાદ્યપદાર્થો તેમ જ સાકર, મીઠું અને બિનઆરોગ્યપ્રદ ચરબીનું વધુ પ્રમાણ ધરાવતી વસ્તુઓના વપરાશમાં ક્રમશઃ ઘટાડો કરવાની પણ હિમાયત કરવામાં આવી છે.

પ્રસ્તાવિત "હેલ્ધી મેનૂ" (સ્વાસ્થ્યપ્રદ મેનૂ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (આઈસીએમઆર-એનઆઇએન) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર તૈયાર કરવામાં આવશે, જેમાં મીઠું, સાકર અને તેલનું પ્રમાણ ઓછું હોય તેવા ખોરાક પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

હળવા નાસ્તા માટે, માર્ગદર્શિકામાં મોસમી ફળો, શેકેલા કે બાફેલા ચણા અને મગફળી, ફણગાવેલા કઠોળ, વેજીટેબલ પૌંઆ, ઈડલી-સાંભાર, વેજીટેબલ ઉપમા, બાજરીની ખીચડી, બાફેલા ઈંડા તેમજ સૂકો મેવો અને સીડ્સનો સમાવેશ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. પીણાંમાં નાળિયેરનું પાણી, છાસ, સોલકઢી, સાકર વગરનું દૂધ, મર્યાદિત માત્રામાં ખાંડ કે ગોળ સાથેનું લીંબુ પાણી અને ખાંડ વગરની ગ્રીન ટી કે હર્બલ ટીનો સમાવેશ થાય છે.

અડધા દિવસ અને આખા દિવસના કાર્યક્રમો માટેના મેનૂમાં જુવાર, બાજરી કે રાગીની ભાખરી, મલ્ટિગ્રેન (મિશ્ર અનાજની) રોટલી, હાથ-કુટેલા કે બ્રાઉન રાઈસ, દાળ કે કઠોળ (ઉસળ), ઓછા તેલમાં રાંધેલા પાંદડાવાળા અને મોસમી શાકભાજી, દહીં કે છાસ, સલાડ અને મીઠાઈને બદલે ફળોનો સમાવેશ થઈ શકે છે. અન્ય સૂચિત વાનગીઓમાં ઓછા તેલવાળી ખીચડી, વેજીટેબલ પુલાવ, પનીર, ફણગાવેલા કઠોળની કઢી અને યોગ્ય રીતે રાંધેલી માછલી, ચિકન કે મટનનો સમાવેશ થાય છે.

જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ લાવવાનો, બિન-ચેપી રોગો સાથે સંકળાયેલા જોખમી પરિબળોને ઘટાડવાનો તથા કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે.
  
આ આદેશ સમગ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર સરકારના તમામ વિભાગો, નિર્દેશાલયો, કમિશનરની કચેરીઓ, જિલ્લા કલેક્ટર કચેરીઓ, જિલ્લા પરિષદો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ, સરકારી તાલીમ સંસ્થાઓ, સરકાર-સહાયિત સ્વાયત્ત સંસ્થાઓ અને સરકારી કેન્ટીનોને લાગુ પડશે.