Sat Sep 05 2026

Logo

ગઢચિરોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કેટલી તીવ્રતા નોંધાઈ?

2026-09-03 16:14:00
Author: Mumbai Samachar Team
ગઢચિરોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કેટલી તીવ્રતા નોંધાઈ?

ગઢચિરોલી: ભારત સહિત વિશ્વભરના દેશોમાં ભૂકંપની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા અનેક વર્ષોમાં તો ભૂકંપના કારણે અલગ અલગ દેશોમાં હજારો લોકોના મૃત્યુ પણ થયા છે, ત્યારે લોકોમાં ભૂકંપને લઈને ડર વધતો જાય છે. આજે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઢચિરોલીમાં સવારે ચાર વાગ્યે આવેલા આ ભૂકંપથી લોકો ડરી ગયા હતા. 

કેટલી હતી ભૂકંપની તીવ્રતા?
મળતી જાણકારી અનુસાર ગઢચિરોલી જિલ્લાના સિરોંચા અહેરી વિસ્તારમાં ગુરુવારે લગભગ વહેલી સવારના 4.36 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી છે. ભૂકંપની ઊંડાઈ ધરતીથી આશરે 10 કિલોમીટરની જણાઈ છે. પ્રાથમિક જાણકારી અનુસાર ભૂકંપનું કેન્દ્ર સિરોંચા તાલુકાના આરક્ષિત વન વિસ્તારમાં હોવાની જાણકારી મળી છે. 

નાગપલ્લી ક્ષેત્રમાં પણ હલચલ 
મળતી વિગતો અનુસાર ગઢચિરોલી જિલ્લામાં આવેલા આ ભૂકંપને હળવાસ્તરનો માનવામાં આવી રહ્યો છે. આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નાણાકીય નુક્શાનની ખબર સામે આવી નથી. 

મળતી જાણકારી મુજબ આ ભૂકંપના આંચકા નાગપલ્લી વિસ્તારમાં પણ અનુભવાયા હતા. ઓગસ્ટ મહિનાની 14 તારીખે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.4 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. પાલઘરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ બંને આંચકાઓની તીવ્રતા અનુક્રમે 3.2 અને 3.4 રહી હતી. મહારાષ્ટ્રમાં ભૂકંપની તીવ્રતા સામાન્ય હોય છે, પરંતુ વધતા પ્રમાણ ચિંતાજનક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જાણો ભૂકંપ કેમ આવે છે?
ભૂકંપ સમયે ધરતી ધૂજવાનું મુખ્ય કારણ જમીનની અંદર હાજર ટેક્ટોનિક પ્લેટ એકબીજા સાથે ટકરાવવી, ઘસાવવી કે ખસવાના લીધે હોય છે, જયારે ભૂકંપ આવે છે ત્યારે જમીનની અંદર ભેગી થયેલી ઉર્જા અચાનકથી બહાર તરફ નીકળે છે. આ કારણે ધરતી પર ભૂકંપના ઝટકા અનુભવાય છે.