Mon Sep 07 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સરખેજમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચનાર બુટલેગર ઝડપાયો

2026-09-03 22:12:34
Author: Vimal Prajapati
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સરખેજમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરીને વેચનાર બુટલેગર ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ શહેરમાં નકલી દારૂના રેકેટ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે સરખેજ-ફતેવાડી કેનાલ પાછળ આવેલા એક મકાનમાં દરોડો પાડી સસ્તી દારૂની બોટલમાંથી દારૂ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરી, તેના પર બ્રાન્ડેડ  સ્ટીકર લગાવી ઊંચા ભાવે વેચતા એક બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે.

બાપુ પઠાણ નામનો બુટલેગરની ધરપકડ કરવામાં આવી

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અને સબ ઇન્સ્પેકટરની  ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેવાડી કેનાલ પાછળ આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની ટીમે મકાનમાં તપાસ કરતાં સલીમખાન ઉર્ફે એસ.કે. બાપુ પઠાણ નામનો બુટલેગર મળી આવ્યો હતો. મકાનની તલાશી દરમિયાન પોલીસને વિદેશી દારૂની ખાલી બ્રાન્ડેડ બોટલો, બોટલના સ્ટીકર, બુચ, ફેવીક્વિક તેમજ સસ્તી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસને કુલ 174 સીલબંધ સસ્તી દારૂની બોટલો અને 29 ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ અંદાજે રૂપિયા 1.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં બુટલેગરે શું કબૂલાત કરી?

ક્રાઈમ બ્રાન્ચના દરોડા પછી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ શંકાના દાયરામાં આવી જતા હવે તેમની સામે એક્શન લેવામાં આવશે. પોલીસ તપાસ પ્રમાણે આરોપી સલીમખાન પોતાના મકાનમાં જ સસ્તી દારૂની બોટલમાંથી દારૂ કાઢી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલમાં ભરતો હતો.

ત્યારબાદ બોટલ ઉપર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી તેને અસલી મોંઘી દારૂ હોવાનું જણાવી ઊંચા ભાવે વેચતો હતો. બુટલેગરની પ્રાથમિક પૂછપરછમાં તેણે સસ્તો દારૂ નિશાખાન પઠાણ અને હાર્દિક પરમાર નામના વ્યક્તિઓ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.