લેહ : કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ગૃહ મંત્રાલયે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. જેમાં લદ્દાખમાં વધુ 12 સીઆરપીએફની કંપની તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાના અચાનક વધારા અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી આપવામાં આવી નથી.
અર્ધલશ્કરી દળને 30 દિવસ માટે તૈનાત કરવામાં આવ્યા
આ અર્ધલશ્કરી દળને 30 દિવસના પ્રારંભિક સમયગાળા માટે તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે. સીઆરપીએફ અને આરએએફ ની તૈનાતી 31 ઓગસ્ટથી અમલમાં આવશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
મુખ્ય સચિવે કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરક્ષા દળની માંગ કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લદ્દાખના મુખ્ય સચિવ, કમિશનર-સચિવ અને ડીજીપીને ઉપરોક્ત તૈનાતી અંગે જાણ કરી છે. લદ્દાખના ગૃહ વિભાગના વિશેષ સચિવે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં કેન્દ્રીય દળોની તૈનાતીની વિનંતી કરી હતી. આ પત્રમાં મુખ્ય સચિવે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કારણ જણાવીને 12 કંપનીઓની તૈનાતીની માંગ કરી હતી.
સપ્ટેમ્બર માસમાં લદ્દાખમાં અનેક બેઠકો
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર માસમાં લદ્દાખમાં અનેક બેઠકો યોજાવાની છે. જેમાં લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર ગયા વર્ષના વિરોધ પ્રદર્શનો દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચે. આ વિરોધ પ્રદર્શનોમાં અનેક લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, લદ્દાખ વહીવટીતંત્રે વિરોધ પ્રદર્શનો સંબંધિત 25 કેસ પાછા ખેંચવાની યોજના જાહેર કરી છે.