Tue Aug 25 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

2026-08-24 19:40:48
Author: Ramesh Gohil
ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન જોવા મળેલો સાત પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો આગલા બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે 95.70ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં અમેરિકા દ્વારા ઈરાન પર આર્થિક નિયંત્રણો લાદવામાં આવે તેની ભીતિ હેઠળ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થવાની સાથે આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેવાને કારણે પણ રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.71ના બંધ સામે સુધારા સાથે 95.68ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.75 અને ઉપરમાં 95.64 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે એક પૈસાના સુધારા સાથે 95.70ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો આવ્યો હતો. 

હાલમાં અમેરિકા અને ઈરાનની મડાગાંઠ વચ્ચે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહેતું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતા છે. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રૂપિયાને અમુક અંશે ટેકો આપી શકે છે, એમ મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 95.50થી 96ની રેન્જમાં રહે તેમ જણાય છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.18 ટકા વધીને 98.98 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 171.72 પૉઈન્ટ અને 32.95 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 542.71 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં નરમાઈ હતી, તેમ છતાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 1.62 ટકા ઘટીને બેરલદીઠ 92.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.