Sun Aug 30 2026

Logo

વિશાખા રાઉતને મુદ્દે બંને સેના વચ્ચે આરપારની લડાઈ;રાઉતનું નગરસેવક તાત્કાલિક રદ કરવાની શિંદે સેનાની માગણી, તો યુબીટીની સમય આપવાની માગણી

2026-08-24 22:36:00
Author: Sapna Desai
વિશાખા રાઉતને મુદ્દે બંને સેના વચ્ચે આરપારની લડાઈ;રાઉતનું નગરસેવક તાત્કાલિક રદ કરવાની શિંદે સેનાની માગણી, તો યુબીટીની સમય આપવાની માગણી

(X/ @vishakharaut13)


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પાલઘર કાસ્ટ સ્ક્રૂટિની કમિટીએ શિવસેના (યુબીટી)નાં સિનિયર નગરસેવિકા  વિશાખા રાઉતના અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના સર્ટિફિકેટને નકારી કાઢ્યા પછી દાદરની આ બેઠક શિવસેના (યુબીટી) અને શિંદે જૂથ વચ્ચે  વિવાદનો વિષય બની ગઈ છે. શિવસેના (યુબીટી) જૂથે વિશાખા રાઉતના પદને બચાવવાની માગણી કરી છે, જ્યારે શિંદે જૂથે બીએમસી ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

સોમવારે  શિવસેના (યુબીટી)ના પ્રતિનિધિઓના મંડળે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેની મુલાકાત લીધી હતી અને  દલીલ કરી કે વિશાખા રાઉતને આ તબક્કે ગેરલાયક ઠેરવવાની ઉતાવળ કરવી નહીં,  કારણકે તેમની પાસે કોંકણ ડિવિઝનલ કમિશનર સમક્ષ સ્ક્રૂટીની પેનલના નિર્ણયને પડકારવા માટે ત્રણ મહિનાનો સમય છે.વિશાખા રાઉત રાજકીય રીતે અત્યંત મહત્ત્વની ગણાતા દાદર-શિવાજી પાર્ક પટ્ટાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં તેમણે પાલિકાની ચૂંટણીમાં શિવસેના (યુબીટી)ના ઓબીસી-અનામત વોર્ડ ૧૯૧ને જાળવી રાખ્યો હતો.

તેમણે ૧૩,૨૩૬ મતો મેળવીને શિવસેના (શિંદે)ના ભૂતપૂર્વ ધારાસભ્ય સદા સર્વણકરની પુત્રી પ્રિયા સર્વણકરને ૧૯૭ મતોથી હરાવ્યા હતા.  ચૂંટણી મેદાનમાં ફક્ત બે ઉમેદવાર હોવાથી આ સ્પર્ધા બંને શિવસેના માટે સીધી રીતે રાજકીય ટક્કર હતી, જેના કારણે વિશાખા રાઉતનો વિજય મહત્ત્વનો ગણાતો હતો. પાલઘર કાસ્ટ સ્ક્રૂટિની કમિટીએ તેમના ઓબીસી સર્ટિફિકેટની માન્યતાને પડકારતી ફરિયાદ બાદ તેમના સર્ટિફિકેટને ગેરકાયદે ઠેરવતા  ઠાકરે જૂથ માટે આ મોટો આંચકો માનવામાં આવે છે.

શિવસેનાના મુખ્ય ગઢ પર પોતાનો કબજો બચાવવા માટે તે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. વિશાખા રાઉતને બચાવવા માટે શિવસેના (યુબીટી)ના સિનિયર નગરસેવકોનું એક પ્રતિનિધિમંડળ પાલિકા કમિશનરને  મળ્યું હતું અને માગણી કરી હતી કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. પ્રતિનિધિમંડળે ધ્યાન દોર્યું કે રાઉત પાસે આ  નિર્ણય સામે અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય છે અને દલીલ કરી હતી કે અપીલ પેન્ડિંગ રહે ત્યાં સુધી તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ નહીં. 

જોકે, શિંદે સેનાએ કાયદાની જોગવાઈઓ હેઠળ વિશાખા રાઉત સામે કાર્યવાહી કરવા માટે દબાણ કરી રહ્યું હોવાનું કહેવાય છે.વિશાખા રાઉતે સોમવારે જણાવ્યું હતું કે અગાઉ કાસ્ટ સ્ક્રૂટિની કમિટીના ચુકાદા બાદ નગરસેવકનું  પદ રદ કરવામાં આવતું હતું, પરંતુ નવો નિયમ  કોંકણ ડિવિઝનલ કમિશનર  સમક્ષ અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપે છે, જેમને આ બાબતનો નિર્ણય લેવા માટે છ મહિના સુધીનો સમય આપવામાં આવે છે.

અમે મેયર અને પાલિકા કમિશનરને નવા પરિપત્રથી વાકેફ કર્યા છે. હું અપીલ દાખલ કરી રહી હોવાથી મેં વિનંતી કરી છે કે અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી મારા પદને ગેરલાયક  જાહેર ન કરવામાં આવે. પાલિકામાં શિવસેના (શિંદે) જૂથના નેતા અમેય ઘોલેએ જણાવ્યું હતું કે, કાસ્ટ સ્ક્રૂટિની  કમિટીનો આદેશ પ્રિયા સર્વણકરના પક્ષમાં આવ્યો છે અને પાલિકા કમિશનર અને અન્ય અધિકારીઓ સમક્ષ જરૂરી રજૂઆતો પક્ષ દ્વારા કરવામાં આવી છે. કાયદાકીય માધ્યમો દ્વારા આ મામલાને આગળ ધપાવીશું