પગલાંને સરમુખત્યારશાહી ગણાવ્યા બાદ લાઇસન્સ રદ કરવાનો આદેશ પાછો ખેંચાયો
મુંબઈ: સિપ્લા ફાર્મા એન્ડ લાઇફ સાયન્સ લિમિટેડના પુણે સ્થિત ‘કેરી એન્ડ ફોરવર્ડિંગ’ યુનિટનું ડ્રગ વેચાણ લાઈસન્સ રદ કરવાનો નિર્ણય ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ને બોમ્બે હાઈકોર્ટની ફટકાર બાદ પાછો ખેંચવાની ફરજ પડી છે. શનિવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે FDAની કાર્યવાહી સામે સખત નારાજગી વ્યક્ત કરી અને વિભાગના વલણને ‘અતિશય ઉત્સાહી’ તથા ‘સરમુખત્યારશાહી’ ગણાવ્યું હતું. ત્યારબાદ FDAએ કોર્ટને જણાવ્યું કે લાઈસન્સ રદ કરવાનો આદેશ તાત્કાલિક પાછો ખેંચવામાં આવશે.
આ મામલો દવા ‘રેક્ટીન પ્લસ’ના પેકેજિંગ પર અનધિકૃત લખાણ અને દવાના સંગ્રહ, ખરીદી તથા વેચાણ સંબંધિત રેકોર્ડમાં ગંભીર ખામીઓ મળ્યા બાદ શરૂ થયો હતો. આ કાર્યવાહી હેઠળ કંપનીના પુણે સ્થિત વડકી ખાતેના પરિવહન અને વિતરણ કેન્દ્ર માટેનું ડ્રગ વેચાણ લાઈસન્સ ૨૭ ઓગસ્ટથી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું હતું. કંપનીએ આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપની તરફથી વરિષ્ઠ વકીલ આબાદ પોંડાએ દલીલ કરી હતી કે FDAના આદેશથી ઉત્પાદનોની સલામતી, ગુણવત્તા કે અસરકારકતા અંગે કોઈ શંકા ઊભી થતી નથી અને દર્દીઓની સલામતી અંગે પણ કોઈ ચિંતા દર્શાવવામાં આવી નથી.
સુનાવણી દરમિયાન FDAની કાર્યવાહી સામે સૌથી મોટો સવાલ સુનાવણીની પ્રક્રિયાને લઈને ઉઠ્યો. FDAએ કંપનીને ૨૬ ઓગસ્ટે જાહેર રજાના દિવસે સુનાવણી માટે હાજર રહેવા ઈમેલ કર્યો હતો. કંપનીનો કોઈ પ્રતિનિધિ તે દિવસે ઉપલબ્ધ ન હોવાથી સુનાવણી મુલતવી રાખવાની વિનંતી કરવામાં આવી હતી. તેમ છતાં, કંપનીના વકીલના જણાવ્યા મુજબ, FDAએ વાસ્તવિક સુનાવણી હાથ ધર્યા વિના જ તે જ દિવસે લાઈસન્સ રદ કરવાનો આદેશ જારી કરી દીધો હતો.
FDA તરફથી વધારાના સરકારી વકીલ પ્રિયભૂષણ કાકડેએ દલીલ કરી હતી કે કંપનીને સુનાવણીનો કોઈ કાનૂની અધિકાર નથી. આ દલીલ સામે બેન્ચે સવાલ કર્યો કે જ્યારે રાજ્ય સરકારે જાહેર રજા જાહેર કરી હતી ત્યારે FDAએ કંપનીને તે દિવસે પ્રતિનિધિ મોકલવા માટે ઈમેલ કેમ કર્યો. બેન્ચે FDAની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે વિભાગ પ્રશંસનીય કાર્ય કરી રહ્યો હતો, પરંતુ હવે ‘અતિશય ઉત્સાહ’માં આવીને પોતાની સીમાઓ ઓળંગી રહ્યો છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે આ પ્રથમ વખતની ભૂલ નથી અને FDAએ હવે આ મુદ્દાનો ઉકેલ લાવવો પડશે.
કંપનીને રાહત આપતાં બોમ્બે હાઈકોર્ટે નોંધ્યું કે FDAએ મનસ્વી રીતે કાર્યવાહી કરી, ખામીયુક્ત પ્રક્રિયાનું પાલન કર્યું અને લાઈસન્સ રદ કર્યું, જે ન્યાયના સિદ્ધાંતોનું સીધું ઉલ્લંઘન છે. હાઈકોર્ટની આકરી ટિપ્પણી બાદ FDAએ લાઈસન્સ રદ કરવાનો આદેશ પાછો ખેંચવાની માહિતી કોર્ટને આપી છે.હાઈકોર્ટની આકરી ટિપ્પણી બાદ એફડીએએ લાઈસન્સ રદ કરવાનો આદેશ પાછો ખેંચવાની માહિતી કોર્ટને આપી છે. હવે કંપનીને નવી ‘કારણદર્શક’ નોટિસ જારી કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય કારણદર્શક નોટિસ તથા વાજબી પ્રક્રિયાના આધારે અંતિમ આદેશ પસાર કરવામાં આવશે.