મુંબઈ: ધસમસતી ટ્રેન સામે ઝંપલાવીને 50 વર્ષના પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે (પીએસઆઈ) જીવનનો અંત આણ્યો હોવાની ઘટના હિંગોલી શહેરમાં શનિવારની સવારે બની હતી.
અધિકારીના જણાવ્યા મુજબ કથિત આત્મહત્યા કરનારો અમોલ વિઠલરાવ ગંગલવાડ હિંગોલી પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકળાયેલો હતો. વરદી પહેરીને ઘરેથી નીકળેલા ગંગલવાડે સવારે 8.30 વાગ્યાની આસપાસ પૂર્ણાથી અકોલા તરફ જતી પેસેન્જર ટ્રેન સામે ખટકાળી બાયપાસ પાસે કૂદકો માર્યો હતો.
ઘટના અંગે ટ્રેનના લોકોમોટિવ પાઈલટે તરત જ રેલવે અધિકારીને જાણ કરી હતી. રેલવે અધિકારીએ પોલીસને માહિતી આપતાં હિંગોલી સિટી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ગંગલવાડની બે મહિના અગાઉ જ પરભણીથી હિંગોલી કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર થઈ હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી ન હોવાથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
(પીટીઆઈ)