મુંબઈ: થાણે જિલ્લાના અંબરનાથ ખાતે રહેતા યુવાન પાસેથી ભારત અને પાકિસ્તાનના પાસપોર્ટ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતાં એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) તપાસ હાથ ધરી હતી. મલંગવાડીથી પકડાયેલા આરોપીની ઓળખ અંબરનાથના સુલતાનપુરીમાં રહેતા ચાંદ અલી અબ્દુલ રશીદ સૈયદ (38) તરીકે થઈ હતી. સૈયદ વિરુદ્ધ હિલલાઈન પોલીસ સ્ટેશનમાં 12 સપ્ટેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સૈયદે પોતાના અને પિતાના દસ્તાવેજોને આધારે 2009માં ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હતો. પછી તે પાકિસ્તાનમાં ગયો હતો અને ત્યાં રહેતાં સગાંસંબંધીને મળ્યો હતો. આરોપ છે કે પાકિસ્તાનમાં ગયા પછી ભારતીય નાગરિકતાની વિગતો છુપાવીને તેણે બનાવટી દસ્તાવેજોની મદદથી ચાંદ અલી રશીદ અલીને નામે પાકિસ્તાની પાસપોર્ટ પ્રાપ્ત કર્યો હતો. પાકિસ્તાની પાસપોર્ટની મદદથી ભારત આવ્યા પછી તે અંબરનાથમાં રહેવા લાગ્યો હતો.
એટીએસની તપાસમાં જણાયું હતું કે ભારતમાં પાછા આવ્યા પછી સૈયદે તેના જૂના ભારતીય પાસપોર્ટની વિગતો જાહેર ન કરીને 2024માં નવો પાસપોર્ટ મેળવ્યો હતો. આ પાસપોર્ટ માટે તેણે પેન કાર્ડ, ગાઝિયાબાદનું બર્થ સર્ટિફિકેટ, અંબરનાથનું ડોમિસાઈલ સર્ટિફિકેટ, રેશનિંગ કાર્ડ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો રજૂ કર્યા હતા.
મુંબઈની રિજનલ પાસપોર્ટ ઑફિસના અધિકારીને આરોપીની નાગરિકતા અને પાસપોર્ટ સંબંધી માહિતી પર શંકા ગઈ હતી. આ અંગે થાણે પોલીસને જાણ કરી તપાસનો આદેશ અપાયો હતો. પોલીસે દસ્તાવેજોની ચકાસણી અને તપાસ કરી તો સૈયદ પાસે પાકિસ્તાની પાસપોર્ટ હોવાની માહિતી સામે આવી હતી. વળી, જૂના પાસપોર્ટની વિગતો પણ મળી હતી. પરિણામે પોલીસે સૈયદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેની તપાસ એટીએસ કરી રહી છે.