નાગોયાઃ ભારતીય મહિલા ટીમે અહીં રવિવારે એશિયન ગેમ્સ (Asian Games) ટી-20 ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશને 114 રનના તોતિંગ તફાવતથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો એમાં ખાસ બે પ્લેયરના પર્ફોર્મન્સ ઊડીને આંખે વળગે એવા હતા. ગોલ્ડ મેડલ હવે ભારતીય ટીમના હાથવેંતમાં છે.
શેફાલી વર્મા (100 અણનમ, 49 બૉલ નવ છગ્ગા, ત્રણ ચોગ્ગા) સેમિ ફાઇનલની સુપરસ્ટાર ખેલાડી હતી. તે એશિયન ગેમ્સમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર તેમ જ જાપાનમાં સદી ફટકારનાર પ્રથમ બૅટર છે. તેણે 49 બૉલમાં સૌથી ઝડપે સેન્ચુરી પૂરી કરવાના હરમનપ્રીતના ભારતીય વિક્રમની બરાબરી કરી છે. શેફાલી (Shafali) એક ટી-20માં નવ સિક્સર ફટકારનાર વિશ્વની બીજી ખેલાડી અને ભારતની પ્રથમ પ્લેયર છે. તેણે હરમનપ્રીત (2018માં ન્યૂ ઝીલૅન્ડ સામે આઠ છગ્ગા)નો ભારતીય વિક્રમ તોડ્યો છે.

નંદની શર્મા હૅટ-ટ્રિક ચૂકી
ભારતની જીતમાં પેસ બોલર નંદની શર્મા (4-0-25-3)નું યોગદાન જરાય ઓછું નહોતું. નંદનીએ રવિવારે જિંદગીના પચીસ વર્ષ પૂરાં કર્યાં હતાં અને તેને બક્ષિસના રૂપમાં ભારતની જીત મળી હતી. રવિવારે બાંગ્લાદેશ સામે નંદની શર્મા હૅટ-ટ્રિક ચૂકી ગઈ હતી. તેના ઉપરાંત સ્પિનર દીપ્તિ શર્માએ પણ ત્રણ વિકેટ તેમ જ બીજી સ્પિનર શ્રી ચરનીએ બે વિકેટ મેળવી હતી.
સ્મૃતિના 4,788 રન મહિલાઓ-પુરુષોમાં હાઇએસ્ટ, નંદની હૅટ-ટ્રિક ચૂકી
સ્મૃતિ મંધાનાનાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં કુલ 4,788 રન થયા છે. તેણે ન્યૂ ઝીલૅન્ડની સુઝી બેટ્સ (4,758)નો વિશ્વવિક્રમ તોડ્યો છે. સ્મૃતિના 4,788 રન મહિલાઓ તેમ જ પુરુષો, બન્નેમાં સર્વોચ્ચ છે.
શેફાલીની છેલ્લા બૉલે પ્રથમ સેન્ચુરી
એ પહેલાં, ભારતે પ્રથમ બૅટિંગ લઈને ચાર વિકેટે 195 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને જીતવા માટે 196 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર પછી બાંગ્લાદેશે નવ ઓવરમાં ફક્ત 48 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એ અગાઉ, ભારતની ઇનિંગ્સના છેલ્લા બૉલ પર શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટમાં સેન્ચુરી પૂરી કરી હતી. બીજી ઓપનર સ્મૃતિ મંધાનાએ 37 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 40 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમનો સિક્સરનો વિક્રમ
મહિલાઓની એક આંતરરાષ્ટ્રીય ટી-20માં ભારતે સૌથી વધુ 12 સિક્સર ફટકારી. ભારતે વેસ્ટ ઇન્ડિઝનો (આયરલૅન્ડ સામેનો) અને બ્રાઝિલનો (મેક્સિકો સામેનો) 11-11 સિક્સરનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે.
શ્રીલંકા સામે 10 દિવસમાં ફરી ફાઇનલ
બાંગ્લાદેશની ટીમ 196 રનના લક્ષ્યાંક સામે માત્ર 81 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. 10 દિવસમાં ભારત-શ્રીલંકા ફરી ફાઇનલમાં રમશે. રવિવાર, 13મી સપ્ટેમ્બરે દુબઈમાં ભારતે શ્રીલંકાને એશિયા કપની ફાઇનલમાં હરાવ્યું હતું, જ્યારે રવિવાર, 20મી સપ્ટેમ્બરે ભારતે એશિયન ગેમ્સની ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. આ ફાઇનલ મંગળવાર, બાવીસમી સપ્ટેમ્બરે (સવારે 10.30 વાગ્યાથી) રમાશે.