મુંબઈ: ટાટા સન્સના ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની પુનઃનિમણૂક મુદ્દે વિવાદ વકર્યો છે. જેમાં હવે ટાટા ટ્રસ્ટસ દ્વારા આ નિમણૂકને પડકારવામાં આવી છે. તેમજ કહ્યું છે કે આમાં કંપનીના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનો ભંગ થયો છે. જેમાં બંને નોમિની ડિરેક્ટરોનું સમર્થન અનિવાર્ય હતું.
ચેરમેનનો 'કાસ્ટિંગ વોટ' નિયમને રદબાતલ ના કરી શકે
આ અંગે મળતી માહિતી મુજબ ટાટા ટ્રસ્ટ્સ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ટાટા સન્સ દ્વારા ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષના કાર્યકાળ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે યથાવત રાખવાના નિર્ણયની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા છે. ટાટા ટ્રસ્ટ્સની દલીલ છે કે કંપનીના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અનુસાર નિર્ણય માટે ટ્રસ્ટ દ્વારા નામાંકિત કરાયેલા ડિરેક્ટરોની મંજૂરી અનિવાર્ય હતી. પરિણામે, ચેરમેનનો 'કાસ્ટિંગ વોટ' આ આવશ્યકતાને રદબાતલ ના કરી શકે.
ડિરેક્ટર્સ વચ્ચે બહુમતીનો અર્થ બે મત થાય
ટાટા સન્સના બોર્ડમાં ટાટા ટ્રસ્ટ્સ દ્વારા નિયુક્ત બે ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. રતન ટાટાના અવસાન બાદ નોએલ ટાટા જેમને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન તરીકે તેમનું સ્થાન લીધું હતું. તેમણે ચંદ્રશેખરનનો કાર્યકાળ પાંચ વર્ષ માટે લંબાવવાના પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપ્યો હતો. જ્યારે ટાટા ટ્રસ્ટ્સ દ્વારા નિયુક્ત અન્ય ડિરેક્ટર, વેણુ શ્રીનિવાસને આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ટાટા ટ્રસ્ટ્સ નો તર્ક છે કે બે નિયુક્ત ડિરેક્ટર્સ વચ્ચે બહુમતીનો અર્થ બે મત થાય છે. એક નહીં. તેથી, જરૂરી સમર્થનનો અભાવ હતો અને આ પ્રસ્તાવ કાયદેસર રીતે પસાર થઈ શક્યો ન હતો.
નોએલ ટાટાએ આ પગલાનો વિરોધ કર્યો
ટાટા સન્સના બોર્ડે 4-1ના બહુમતીથી ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષના કાર્યકાળ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે યથાવત રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નોએલ ટાટાએ આ પગલાનો વિરોધ કર્યો હતો.
નિર્ણય બદલવા માટે સંમત થયા હતા
ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખરને અગાઉ જણાવ્યું હતું કે તેઓ આગામી કાર્યકાળ માટે આ પદ સંભાળવા ઈચ્છતા નથી. જોકે, બોર્ડની વિનંતી બાદ તેઓ પોતાનો નિર્ણય બદલવા માટે સંમત થયા હતા. આના આધારે ટાટા સન્સે તેમની પુનઃનિયુક્તિની પ્રક્રિયા શરૂ કરી છે અને તેને યોગ્ય ઠેરવી છે.