Fri Oct 02 2026

Logo

ઉત્તર કોરિયાએ  450 કિલોમીટર સુધી હુમલો કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું

Seoul   2026-09-20 19:02:22
Author: Chandrakant Kanoja
ઉત્તર કોરિયાએ  450 કિલોમીટર સુધી હુમલો કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું

સિયોલ: અમેરિકાની ધમકીનો જવાબ આપવા અને પરમાણુ ક્ષમતા વિકસાવવા માટે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં 450 કિલોમીટર સુધી હુમલો કરી શકે તેવી  મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જેના પગલે દક્ષિણ કોરિયાની ચિંતામાં વધારો થયો છે. તેમજ દક્ષિણ કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ મિસાઇલ પરીક્ષણ રોકવા પર  અપીલ કરી છે.

ઉત્તર કોરિયાએ બે મિસાઇલ પરીક્ષણ કર્યા  

આ અંગે દક્ષિણ કોરિયાની સેનાએ અહેવાલ આપ્યો હતો  કે મિસાઇલે સમુદ્રમાં ઉત્તર કોરિયાના પૂર્વ કિનારાના તરફ આશરે 450 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. થોડા કલાકો બાદ  દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારાથી બીજું મિસાઇલ પરીક્ષણ કર્યું છે. જોકે, વધુ વિગતો આપવામાં આવી ન હતી.

બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ બંધ કરવા વિનંતી કરી

દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે તેણે તેની દેખરેખ સ્થિતિ મજબૂત બનાવી છે અને મિસાઇલ લોન્ચ અંગે અમેરિકા અને જાપાન સાથે ગાઢ સંકલનમાં માહિતીનું આદાનપ્રદાન કરી રહી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે ઉત્તર કોરિયાને તાત્કાલિક બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ બંધ કરવા વિનંતી કરી હતી. જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ પ્રતિબંધિત છે.

દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાને જવાબ આપવા સજ્જ 

દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું હતું કે તે અમેરિકા સાથેની મજબૂત ભાગીદારી હેઠળ ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરણીનો જવાબ આપવા માટે સજ્જ છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રવિવારે સવારે ઉત્તર કોરિયાએ શંકાસ્પદ મિસાઇલ પરીક્ષણ કર્યું હતું. પરંતુ તે હથિયાર તેના પ્રાદેશિક જળસીમામાં પડ્યું ન હતું.

ત્રિપક્ષીય સૈન્ય કવાયત પૂર્ણ થયા બાદ  યોજાઈ

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ઉત્તર કોરિયાએ મિસાઇલો, આર્ટિલરી અને ડ્રોનનો સમાવેશ કરતી એક સંયુક્ત કવાયત હાથ ધરી હતી. આ કવાયત અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેની પાંચ દિવસીય ત્રિપક્ષીય સૈન્ય કવાયત પૂર્ણ થયાના માત્ર એક દિવસ બાદ યોજાઈ હતી.