પૂક્કોટટુમ્પદમ: કેરલમના પૂક્કોટટુમ્પદમમાં કોટ્ટપ્પુઝા નદીમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે એક પ્રવાસી સહિત સાત લોકો તણાયા હોવાની માહિતી સાંપડી છે. જેમાં પોટ્ટિકલ્લુના મુઠિકુંડ વિસ્તારમાં નદીમાંથી આશરે 50 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે અન્ય ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઓલારવટ્ટમ કેનાલથી લઈને ટી.કે. કોલોની સુધીના નદી કિનારાના વિવિધ વિસ્તારોમાં જે પ્રવાસન માટે લોકપ્રિય સ્થળો છે. તે સ્થળે પર્યટકો હતા. તેમજ રજાના દિવસને કારણે કેટ્ટુંગલ, અનાકુંડુ, બાલાવાડીપ્પાડી અને કોયિપ્રાની તળેટીમાં આવેલા અન્ય વિસ્તારોમાં પણ સેંકડો લોકો એકઠા થયા હતા.
નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં લોકો ફસાયા
આ સમયે નદીના જળસ્તરમાં અચાનક થયેલા વધારાને કારણે નદીની વચ્ચે ફસાઈ ગયેલા લગભગ 27 લોકોને સ્થાનિક રહેવાસીઓ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જોકે, ઘણા લોકો વિવિધ સ્થળોએ લાંબા સમય સુધી ફસાયેલા રહ્યા હતા.
ચાર વ્યક્તિઓ ખડકો અને વૃક્ષો પર ફસાયેલા
આ ઉપરાંત મળતી માહિતી મુજબ ચોક્કાડના ચાર વ્યક્તિઓ એક આંગણવાડી કેન્દ્ર નજીક ખડકો અને વૃક્ષો પર ફસાયેલા છે. તેમને સુરક્ષિત રીતે લાવવા માટે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામગીરી
પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો, સ્વયંસેવકો અને સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામગીરી કરી રહ્યા છે. તેમજ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા ધરાવતા લોકોની પણ શોધખોળ ચાલી રહી છે.