Wed Oct 14 2026

Logo

એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન ભારતની બ્રિક્સ બજારોની નિકાસમાં 34 ટકાની વૃદ્ધિઃ ચીન મોખરે

2026-09-20 18:36:56
Author: Ramesh Gohil
એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન ભારતની બ્રિક્સ બજારોની નિકાસમાં 34 ટકાની વૃદ્ધિઃ ચીન મોખરે

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન ભારતની ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા ખાતેની નિકાસ 34 ટકા વધીને 19.9 અબજ ડૉલરની સપાટીએ રહી છે અને તેમાં પણ ચીન ખાતેની નિકાસમાં 39 ટકાનો વધારો થયો છે, જે દેશનાં નિકાસ બ્લોકમાં બ્રિક્સ દેશોનાં વધતા મહત્ત્વનો નિર્દેશ આપે છે. 

જેમ જેમ ભારત બ્રિક્સ જૂથ સાથેનાં સંબંધો ગાઢ બનાવી રહ્યું છે તેમ તેમ ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા જેવા મુખ્ય સ્થાપક ભાગીદારો તરફથી મજબૂત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મૂળભૂત રીતે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરતાં આ જૂથનો વર્ષ 2024માં વિસ્તાર કરવામાં આવ્યો હતો. જેમાં ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમિરાત અને સઉદી અરેબિયાનો સમાવેશ થયો હતો, જ્યારે વર્ષ 2025માં તેમાં ઈન્ડોનેશિયા જોડાયું હતું અને ગયા વર્ષે બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલયેશિયા, નાઈજીરિયા, થાઈલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેટનામ ભાગીદાર દેશો બન્યા હતા. 

વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2025-26નાં એેપ્રિલથી ઑગસ્ટ દરમિયાન ચાર મુખ્ય અર્થતંત્રોમાં ભારતની નિકાસ જે 14.9 અબજ ડૉલરની હતી તે ગત એપ્રિલથી ઑગસ્ટ 2026-27માં 34 ટકા વધીને 19.9 અબજ ડૉલરની થઈ હતી. તેમ જ ભારતની કુલ નિકાસમાં આ ચાર દેશોનો હિસ્સો જે ગત સાલના સમાનગાળામાં 8.1 ટકા હતો તે વધીને 9.2 ટકા થયો છે.  

વધુમાં બ્રિક્સનાં ચાર દેશોમાં થયેલી કુલ નિકાસમાં ચીન ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાની તુલનામાં સૌથી વધુ 39 ટકા વધીને 9.6 અબજ ડૉલરનો રહ્યો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકા ખાતેની નિકાસ 58 ટકાથી, બ્રાઝિલ ખાતેની નિકાસ 13 ટકાથી અને રશિયા ખાતેની નિકાસ 11 ટકાથી વધી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. 

ભારત માત્ર બ્રિક્સમાં જ પગદંડો મજબૂત નથી કરતું પરંતુ બ્રિક્સ બ્લોકની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ સાથે પણ વધુ સંકલિત થઈ રહ્યું છે. બ્રિક્સનાં કોર (મુખ્ય) જૂથમાં નિકાસ વ્યાપક બ્રિક્સ જૂથમાંની નિકાસ કરતાં લગભગ ત્રણ ગણી વધી રહી છે. આ બજારો ભારતની નિકાસ વ્યૂહરચનાંના મુખ્ય સ્તંભ તરીકે વધુને વધુ ઊભરી રહ્યું હોવાનું વાણિજ્ય મંત્રાલયના અધિકારીએ ઉમેર્યું હતું.