Sun Oct 04 2026

Logo

સપ્તાહ દરમિયાન ઈક્વિટી માર્કેટની નજર ક્રૂડતેલના ભાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર

2026-09-20 18:34:59
Author: Ramesh Gohil
સપ્તાહ દરમિયાન ઈક્વિટી માર્કેટની નજર ક્રૂડતેલના ભાવ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર

નવી દિલ્હીઃ ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સહી કરેલા રશિયા અને ઈરાન પરનાં પ્રતિબંધનાં ખરડાની અસર ઉપરાંત ક્રૂડતેલના ભાવ અને ભૂરાજકીય વિકાસના અહેવાલો ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચ તથા વૈશ્વિક બજારોની વધઘટ સ્થાનિક ઈક્વિટી માર્કેટનાં મુખ્ય ચાલક પરિબળો પુરવાર થશે, એવું વિશ્લેષકોનું માનવું છે. 

સપ્તાહના આરંભમાં ક્રૂડતેલના ભાવ, વૈશ્વિક બૉન્ડની ઊપજ અને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અંગેનાં અહેવાલોની અસર જોવા મળશે. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે રશિયન તેલ અને ગૅસના મુખ્ય ખરીદદારો સામે 100 ટકા સુધીની ટૅરિફ લાદવાની સત્તાનું વિસ્તરણ કરીને કાયદાકીય ખરડા પર સહીસિક્કા કર્યા છે, જેમાં ભારતની રશિયન ક્રૂડની નોંધપાત્ર ખરીદી થતી હોવાથી ભારતનો સંભવિત રીતે જોખમમાં મુકાયેલા દેશોમાં સમાવેશ છે, એમ ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાનને પ્રતિબંધિત કરતા ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. જેથી મોસ્કો અને ભારત અને ચીન સહિતનાં ટોચનાં ખરીદદારો સામે ભારે વેરા લાદવાનો પ્રયાસ કરવામાં આવશે. 

આ કાયદાનો અમલ રાષ્ટ્રપતિની સહી થયાનાં 30 દિવસની અંદર અમલમાં આવશે અને તે મુજબ કાયદો અમલમાં આવતા પહેલાના બાર મહિના દરમિયાન રશિયન ક્રૂડતેલ અથવા કુદરતી ગૅસની કુલ માત્રાની દૃષ્ટિએ ટોચના પાંચ ખરીદદાર દેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 100 ટકા સુધીની આયાત જકાત લાદવી ફરજિયાત બનશે. 

વર્તમાન સપ્તાહે બજારની વધઘટનો આધાર અમેરિકા-ઈરાન વચ્ચેનાં તણાવના અહેવાલ, ક્રૂડતેલના ભાવની વધઘટ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ પર સ્થાનિક ઈક્વિટી માર્કેટની વધઘટ અવલંબિત રહેશે, એમ રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગનાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.

ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 0.65 ટકા અથવા તો 486.8 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 0.22 ટકાનો અથવા તો 51.7 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ ક્રૂડતેલના ભાવમાં વધારો, અમેરિકી વ્યાજદરમાં વધારો, અમેરિકી બૉન્ડની યિલ્ડમાં વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો રૂ. 20,974 કરોડનો ઈક્વિટીમાં ચોખ્ખો બાહ્યપ્રવાહ રહ્યો છે. 

વધુમાં વર્તમાન સપ્તાહમાં રોકાણકારોની નજર ભારત, અમેરિકા અને યુરોપનાં જાહેર થનારા પીએમઆઈ ડેટા ઉપરાંત અમેરિકાના રોજગારીનાં ડેટાઓ પર રહેશે. તેમ જ સ્થાનિક સ્તરે આગામી 24મી સપ્ટેમ્બરનાં રોજ થનારા એનએસઈનાં શૅરના લિસ્ટિંગ પર પણ મંડાયેલી રહેશે, એમ સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિ.નાં રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે બિન સંસ્થાકીય રોકાણકારો અને ક્વૉલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો તરફથી મળેલા બહોળા પ્રતિસાદને ટેકે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઈન્ડિયા લિ.નું રૂ. 22,569 કરોડનું જાહેર ભરણું બીજા દિવસે છલકાઈ ગયું હતું.